માણાવદર તાલુકાના નાનકડા એવા ગળવાવ ગામમાં રહેતી શીતલ રાજકોટિયાએ ભારતીય સૈનિકો માટે ”વિરાંજલી” નામનું એક પુસ્તક લખ્યું હતું. જેનું આજે ગળવાવ ગામ પાસે આવેલા ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમ ખાતે વિમોચન કરાયું હતું. આ પુસ્તક વિમોચનમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કથાકાર પ્રકાશબાપુ સાવરકુંડલા વાળાએ જણાવ્યું હતું કે, જે ગામમાં પુસ્તક વિમોચન એ શું છે એ ખ્યાલ નથી ત્યારે આ ગામની નારી શક્તિ દ્વારા પોતાની આવડતથી સૈનિકો માટેનું આ પુસ્તક લખ્યું છે તે ખરેખર વંદનીય છે. લેખકો દ્વારા અનેક પુસ્તક લખવામાં આવે છે પરંતુ એક સૈનિકો માટે પુસ્તક લખ્યું તે આ તાલુકાનું નહી પરંતુ રાષ્ટ્રનું ગૌરવ સમાન છે.
વધુમાં વિપુલભાઈ સંચાણિયા, નિવૃત્ત આર્મીમેન રાજેશભાઈ જાવીયા, કેપ્ટન યુનુસભાઈ, પ્રવીણભાઈ વાછાણી સહિતના લોકોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ભારતીય વીર જવાનો માટે પુસ્તક લખનાર શીતલ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, હું જ્યારે નાની હતી ત્યારથી દેશ માટે કંઈક કરવાની તમન્ના હતી અને જ્યારે ભારતીય સૈનિકોને હું જોઉં છું ત્યારે મારા મનમાં એક દિવ્ય અલૌકિક ચેતના ઉભી થાય છે થોડા વર્ષો પહેલા મોરારીબાપુ દ્વારા કથામાં ભારતીય જવાનો માટે જે બોલ્યા ત્યારથી ભારતીય સૈનિકો માટે આ પુસ્તક લખવાની પ્રેરણા મળી હતી અને જે આજે આપ લોકો સુધી પહોંચી હતી. આ વિમોચન પ્રસંગે રાજુભાઈ દોશી, રતિલાલ રાજકોટીયા, વલ્લભભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભૌતિક છત્રાળાએ કર્યું હતું.