દાહોદથી એક બસમાં 100થી વધુ મજૂરને ઠાસીને સૌરાષ્ટ્રમાં લઇ જતી બસ પલટી.

0
0

દાહોદથી 100થી વધુ મજૂરોને ઠાસીને સૌરાષ્ટ્ર તરફ લઇને જતી ખાનગી બસ પલટી ગઇ હતી. 50 મુસાફરોની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં 30 મુસાફરોને બેસાડવાનો નિયમ છે. તેમ છતાં બસમાં 100 મુસાફરોને બેસાડીને કોરોનાની ગાઇડલાઇન અને એક બસમાં બેસાડવાના નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ પાસે દાહોદના સંજેલીથી સૌરાષ્ટ્રના કાલાવડ જઇ રહેલી ખાનગી બસ પલટી ખાઇ જતાં 100થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.

ગ્રામજનોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા

રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ટ્રાવેલ્સ મજૂરોને લઇને સંજેલીથી કાલાવડ તરફ જઇ રહી હતી, ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ પાસે બસના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી. બસ પલટી ખાતા ધડાકો થતાં પઢારિયા ગામના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત થતાં બસની ઉપર બેઠેલા કેટલાક લોકો નીચે પટકાયા હતા. જ્યારે કેટલાક લોકો બસની અંદર ફસાઇ ગયા હતા. જેથી ફસાયેલા લોકોને ગ્રામજનોએ બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત મુસાફરને હોસ્પિટલ લઇ જવાઇ રહ્યો છે
(ઇજાગ્રસ્ત મુસાફરને હોસ્પિટલ લઇ જવાઇ રહ્યો છે)

 

ઓવરલોલેડ બસને પોલીસે કેમ રોકી નહીં

અકસ્માતની ઘટનામાં સળગતો સવાલ થાય છે કે, 100થી વધુ મજૂરોને લઇને જઇ રહેલી ઓવરલોડેડ બસને પોલીસે કોઇ સ્થળે કેમ રોકી નહીં, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે બસમાં 30થી વધુ મુસાફરોને બેસાડી શકાય નહીં તો, 100થી વધુ મુસાફરોને ભરેલી બસને પોલીસે કેમ રોકી નહીં? શું પોલીસ હપ્તાખોરી ચલાવે છે?

ખાનગી બસોમાં ખીચોખીચ મુસાફરો ભરીને બેફામ હંકારવા સામે પગલા ભરવા માંગ

સ્થાનિક રૂપાભાઇ ધામોતે જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ લુણાવાડાથી સંતરામપુર તરફ જતી ખાનગી બસ પલટી મારી ગઇ હતી. ધડાકો થતાં અમે ગ્રામજનો દોડી આવ્યા હતા. ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 10થી 15 લોકોને વધારે ઇજાઓ થઇ હતી. જેમાંથી 4 લોકોની હાલત ગંભીર છે. મારી તંત્રને અપીલ છે કે, ખાનગી બસોમાં ખીચોખીચ મુસાફરોને ભરીને બેફામ રીતે હંકારવા સામે પગલા ભરવામાં આવે તો અકસ્માતો અટકી શકે તેમ છે.

અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
(અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી)

 

50 મુસાફરોની કેપેસિટીવાળી બસમાં 100 મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા

ખાનગી ટ્રાવેલ્સની બસમાં 50 મુસાફરોની કેપેસિટીવાળી બસમાં 100થી વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. બસની અંદર 70 અને બસની ઉપર 30 જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારીમાં તો બસમાં 50ને બદલે 30 જેટલા મુસાફરોને બેસાડવાની જ ગાઇડલાઇન છે, તો આટલી મોટી સંખ્યામાં મજૂરોને બસમાં બેસાડીને તમામ નિયમોને તોડવામાં આવ્યા હતા. બસ ઓવરલોડેડ હતી. જેને પગલે બસ વળાંક પાસે બસ પલટી ગઇ હતી. જોકે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

108 એમ્બ્યુલન્સની ટીમ
(108 એમ્બ્યુલન્સની ટીમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here