ગુજરાતમાં ટુ-વ્હિલર વાહનચાલકો માટે આફત, હેલ્મેટ ફરજીયાત થશે

0
15

ગાંધીનગર:ગુજરાતમાં ટુવ્હિલર વાહનચાલકો માટે આફત આવી રહી છે. ગુજરાત સરકાર રાજ્યમાં શહેરી વિસ્તારમાં પણ હેલ્મેટ પહેરવામાં આપેલી છૂટછાટ પાછી ખેંચી શકે છે. એટલે કે મોટર વાહનના કાયદા પ્રમાણે રાજ્યમાં કોઇપણ માર્ગમાં ટુવ્હિલર હેલ્મેટ પહેર્યા વિના ચલાવી શકાશે નહીં. હેલ્મેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ 500 રૂપિયાનો દંડ કરી શકે છે.

ગુજરાતના વાહન વ્યવહાર વિભાગના મંત્રી આરસી ફળદુએ નિર્દેશ આપ્યો છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી આપવામાં આવેલી મુક્તિ પાછી ખેંચાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત બનશે.

ગાંધીનગરમાં મિડીયા સાથેની ચર્ચામાં ફળદુએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી રોડ સેફ્ટિ કાઉન્સિલનો એક પત્ર રાજ્ય સરકારને મળ્યો છે. આ પત્ર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા થઇ છે અને બુધવારની કેબિનેટની બેઠકમાં હેલ્મેટ અંગેનો નિર્ણય લેવામાં આવનાર છે.

આરસી ફળદુએ કહ્યું હતું કે રાજ્યના ટુવ્હિલર ચલાવતા વાહનચાલકોએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે, કારણ કે રાજ્ય સરકાર તેમાં છૂટ આપી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી લોકોને મુક્તિ આપી હતી.

હેલ્મેટ અંગે દંડની જે રકમ છે તેમાં કોઇ ફેરફાર પણ થશે નહીં તેવી સ્પષ્ટતા વાહન વ્યવહાર મંત્રીએ કરી છે અને કહ્યું છે કે કેન્દ્રના મોટર વાહન કાયદા પ્રમાણે હેલ્મેટ પહેર્યું નહીં હોય તો ટ્રાફિક પોલીસ 500 રૂપિયાનો દંડ કરી શકે છે. કેન્દ્રનો કાયદો હોવાથી રાજ્યએ તેનો અમલ કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here