સ્ટેચ્યૂ ઓફ યુનિટીને OLX પર વેચવાની પોસ્ટ મૂકનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

0
5

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને OLX પર રૂા. 30 હજાર કરોડમાં વેચવાની ખોટી જાહેરાત મૂકનાર અજાણ્યા શખ્સ સામે મામલતદારે કેવડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા મેડિકલ સાધનો ખરીદવા માટે નાણાની જરૂરિયાત હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વેચવાનું છે તેવી જાહેરાત મૂકી હતી. પોલીસે ગુનો નોંધી જાહેરાત મૂકનાર શખ્સની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. કેવડિયામાં રૂા. 2989 કરોડના ખર્ચે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર કરાઇ હતી. કોરોનાની મહામારીના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો હાલ બંધ કરી દેવાયા છે. દરમિયાન કોઇ ટીખળખોરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને OLX પર રૂા. 30 હજાર કરોડમાં વેચવાની જાહેરાત મૂકી હતી. નાયબ કલેક્ટર નિલેશ દૂબેએ ચકાસણી કરાવતા વેબસાઇટ પરથી તેને હટાવી લેવાઇ હતી. તેમણે મામલતદાર પાર્થ જયસ્વાલને ફરિયાદ નોંધાવવા સૂચના આપતા કેવડિયા પોલીસમાં ફરિયાદ કરી હતી.

હેલ્થ કેર માટે નાણાની જરૂર હોવાથી વેચવા જણાવ્યું

ફરિયાદમાં કોઇ શખ્સે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે વિકૃત રીતે અને જાહેર જનતાની લાગણી દુભાય તે રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રૂા. 30 કરોડમાં વેચવા અંગે OLX નામની વેેબસાઇટ પર જાહેરાત આપી હતી. આ રકમ કોરોના વાઇરસના અનુસંધાનમાં હેલ્થ કેર માટે નાણાની જરૂર હોવાથી વેચવા જણાવ્યું હતું. સરકારને બદનામ કરવાના હેતુથી તેમજ લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી જાહેરાત કરી તેને વાયરલ કરી હતી. મામલતદારની ફરિયાદના પગલે પોલીસે પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા ખોટો દસ્તાવેજ બનાવવો, ઠગાઇ, આઇટી એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

વેબસાઇટ સામે પણ કાર્યવાહી કરીશું

નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેએ જણાવ્યુ હતુ કે, OLX જેવી જાણીતી વેબસાઇટે પણ આ અંગેની ખરાઇ કે ચકાસણી કર્યા વિના જ આ પોસ્ટને એપ્રૂવલ આપવામાં આવે તે ઘણી જ દુ:ખની બાબત છે. આ ગંભીર ભૂલ છે અમે પોસ્ટ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. વેબસાઇટ સંચાલકો સામે પણ કાર્યવાહી કરીશું.

બે ડાયરેક્ટરોના નામ FIRમાં ન લખ્યાં

મામલતદાર જયસ્વાલે પોલીસ ફરિયાદમાં ઓએલએક્સના પૂર્ણસમયના બે ડાયરેક્ટરોના નામ અને સરનામા સાથે ફરિયાદ આપી રાજદ્રોહનો ગુનો નોંધવા પણ જણાવ્યું હતું. જોકે, પોલીસે જાહેરાત અપલોડ કરનાર અજાણ્યા શખ્સ સામે જ ગુનો નોંધ્યો છે. ડાયરેક્ટરોના નામ લખ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here