ડાયાબિટીસના દર્દીને કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ આપવામાં આવી, બ્લેક ફંગસ એટેક થયો અને આંખ કાઢવી પડી

0
0

કેસ-1

બીકાનેરમાં ભાજપના નેતા ભુવનેશ્વર રંગા (ભોમજી)ને ઓક્ટોબરમાં કોરોના થયો. તેઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન કેટલાંક ઈન્જેક્શન આપવામાં આવ્યા. સ્વસ્થ થયા તે બાદ રજા આપવામાં આવી. ઘરે પહોંચ્યા તેના થોડા દિવસ બાદ ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું તો ફરીથી તપાસ કરાવી. એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એક અઠવાડીયા સુધી સારવાર લીધા પછી તેઓ ઘરે પરત ફર્યા. આ દરમિયાન અનેક વખત તેઓને સ્ટીરોઇડ આપવામાં આવ્યા. બાદમાં તેમના દાંતમાં દુખાવો ઉપડ્યો, અને જે વધતો જ ગયો. આંખમાં સોજો આવી ગયો. સારવાર પછી પણ સુધારો ન થયો તો ન્યૂરોલોજિસ્ટને દેખાડવામાં આવ્યું. જ્યાંથી મ્યૂકોર માઈકોસિસની આશંકા વ્યક્ત કરવામાં આવી. બીકાનેર પછી જયપુર, બેંગલુરુ થઈને રંગાને PGI ચંદીગઢ લઈ જવામાં આવ્યા. જ્યાં હાલ થોડા દિવસ પહેલાં જ તેમની એક આંખ કાઢવામાં આવી. આંખની આજુબાજુ મોટા પ્રમાણમાં ઈન્ફેક્શન વધી ગયું હતું.

કેસ-2

બીકાનેરના જ એક વેપારી (નામ નથી જણાવવા માગતા)ની માતાને પણ કોરોના થયો. તેમને પણ ડાયાબિટીસની બીમારી હતી અને કોરોનાની સારવાર દરમિયા સ્ટીરોઈડ આપવામાં આવ્યા. કોરોના ઠીક થયા બાદ ઈન્ફેક્શનથી કાન, નાક અને ગળામાં પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. મોડું થવાને કારણે ઈન્ફેક્શન વધતું ગયું. તપાસમાં ખ્યાલ આવ્યો કે તેમને પણ મ્યૂકોર માઈકોસિસ છે. તેમનું પણ PGI ચંદીગઢમાં ગુરૂવારે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં એક આંખ અને જબડું કાઢવું પડ્યું. લગભગ 70 વર્ષના આ વૃદ્ધા હાલ ચંદીગઢમાં જ છે.

આ બંને કેસને વાંચ્યા પછી તે વાત તો સમજમાં આવી ગઈ હશે કે ડાયાબિટીસ હોય અને કોરોનાની ઝપેટમાં આવી જાવ તો પછી વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. દેશભરમાં હાલના દિવસોમાં પોસ્ટ કોવિડના એવા દર્દીઓ સામે આવી રહ્યાં છે, જેમના શરીરમાં ઈન્ફેક્શન હોવાને કારણે આંખ કાઢવી પડી છે. મ્યૂકોર માઈકોસિસ નામની આ બીમારી કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલા ડાયાબિટીસના દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યાં છે. જેમને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવી. બીકાનેરમાં લગભગ એક ડઝન લોકો પર આ બીમારીએ હુમલો કર્યો છે. જેમાંથી ઈન્ફેક્શનના કારણે કેટલાંકની આંખ પણ કાઢવી પડી છે. ડોકટરોનું કહેવું છે કે આંખમાં થતા ઈન્ફેક્શનને અવગણવા ન જોઈએ.

બીકાનેર PBM હોસ્પિટલના મેડિકલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. બાલકિશન ગુપ્તા જણાવે છે કે શહેરમાં જ છેલ્લાં કેટલાંક સમયથી એક ડઝનથી વધુ લોકો મ્યૂકોર માઈકોસિસથી પીડિત છે. સામાન્ય રીતે વર્ષમાં એકલ-દોકલ કેસ આવતા હતા, પરંતુ હવે અચાનકથી આ રોગીની સંખ્યા વધી ગઈ છે. જે શુગર પીડિત લોકોને ઓક્ટોબર માસમાં કોરોના થયો હતો અને સારવાર દરમિયાન સ્ટીરોઇડ આપવામાં આવ્યા હતા તેમની ઈમ્યુનિટી નબળી હોવાને કારણે ઈન્ફેક્શન વધી ગયું. આ ફંગલ ઈન્ફેક્શન છે, જે આંખ, નાક અને ગળાના ભાગને પોતાની ઝપેટમાં લે છે. બીકાનેરમાં લગભગ એક ડઝન લોકોની આંખ, નાક અને કાનમાં સમસ્યા થઈ છે. ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે જો શરૂઆતમાં જ એન્ટી ફંગલ દવાઓ આપવામાં આવે તો આનાથી બચી શકાય છે.

તો સીનિયર ન્યૂરોલોજિસ્ટ ડૉ. જગદીશ કૂકણાએ જણાવ્યું કે વર્ષ દરમિયાન ત્રણથી ચાર કેસ મ્યૂકોર માઈકોસિસના આવે છે. પરંતુ આ વખતે કોવિડના કારણે મ્યૂકોર માઈકોસિસના એક મહિનામાં પાંચથી સાત કેસ મારી પાસે આવી ચુક્યા છે. આ તે તમામ લોકો છે, જેમને કોરોના થયો હતો. અને પહેલાંથી જ ડાયાબિટીસના રોગી હતા. સારવાર દરમિયાન તેઓને પણ સ્ટીરોઈડ આપવામાં આવી હતી. એવામાં શુગરના દર્દીઓએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.

બ્લેક ફંગસ કેમ કહેવાય છે?

મ્યૂકોર માઈકોસિસ નામનું એક ફંગસ જ આ બીમારીનું મુખ્ય કારણ છે. આ નાક, આંખ અને ગળામાં વધતું જ જાય છે. આ ફંગસનો રંગ કાળો હોય છે, તેથી તેને બ્લેક ફંગસ કહેવાય છે.

મોતની પણ શક્યતા

ચિકિત્સકોનું કહેવું છે કે આ ફંગસ જ્યાં વિકસિત થયા છે, ત્યાં તે ભાગને ખતમ કરી દે છે. એવામાં જો તેની અસર માથામાં થઈ જાય તો બ્રેન ટ્યૂમર સહિત અનેક પ્રકારના રોગ થઈ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે ઈલાજ થાય તો તેનાથી બચી શકાય છે. જો આ મગજ સુધી પહોંચી જાય છે તો મૃત્યુદર 80 ટકા છે. સામાન્ય રીતે આ ફંગસથી 50 ટકા લોકોના મોત થઈ શકે છે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ. બાલકિશન ગુપ્તાનું કહેવું છે કે શુગર રોગીને સ્ટીરોઇડ આપવાની સાથે જ એન્ટી ફંગસ ટ્રીટમેન્ટ પણ સાથે આપવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here