વડોદરા : ભારે વરસાદને પગલે ડભોઇમાં જર્જરિત મકાન ધરાશાયી, કોઇ જાનહાની નહીં, બે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો

0
16

વડોદરા. છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના ડભોઇમાં ચાર માળનું જર્જરિત મકાન જમીનદોસ્ત થઇ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, મકાન પાસે મુકેલા બે બાઇક કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

ધડાકાભેર મકાન તૂટતા જ આસપાસના લોકો દોડી ગયા

ડભોઇની ભારત ટોકિઝ પાસે આવેલી ચાર માળના બંધ મકાનનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. ડભોઇના ભરચક વિસ્તારમાં આવેલા વર્ષો જૂના મકાનનો ભાગ ધડાકાભેર તૂટી પડતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ધડાકાભેર મકાન તૂટતા જ આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ, આ મકાન પાસે પડેલા બે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મિલકત ધારકો પાલિકાની નોટિસને ગંભીરતાથી લેતા નથી

ડભોઇમાં આવેલા આ વર્ષો જૂના જર્જરિત મકાનને ભયમુક્ત કરવા માટે ડભોઇ નગરપાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ, મકાન માલિકે પાલિકાની નોટિસને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન આજે આ મકાનનો એક ભાગ તૂટી પડ્યો હતો. નોંધનીય છે કે, ડભોઇ નગરમાં આવા વર્ષો જૂની અનેક મિલકતો આવેલી છે. તે મિલકતોના માલિકોને પાલિકા દ્વારા નોટિસ આપીને ભયમુક્ત કરવા માટે જણાવ્યું છે, પરંતુ, મિલકત ધારકો દ્વારા નોટિસને હજી સુધી ગંભીરતાથી લેવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here