સુરેન્દ્રનગર જિલ્લાના એક ખેડૂતે એફિડેવિટ સાથે કરી ફરિયાદ- તપાસ ક્યારે….

0
10

ગુજરાતના વહીવટી તંત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા પાંચ લાખ રૂપિયા ચેકથી લેનાર અને તેની સામે લાંચનો આક્ષેપ કરનાર ખેડૂતની એફિટેવિટ અને મુખ્યમંત્રી સુધીની ફરિયાદના મામલે જે જિલ્લા કલેક્ટરનું નામ ચર્ચામાં હતું તેની તસવીર આજે એક ગુજરાતી અખબારે જાહેર કર્યું છે. જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કંકાપતિ રાજેશ એક ખેડૂત પાસેથી શરીરના માલિશ માટે તલનું તેલ ભેટ તરીકે સ્વીકારતા નજરે પડે છે. આ ખેડૂતનો દાવો છે કે, કલેક્ટર રાજેશે હથિયારનું લાયસન્સ આપવા માટે તેમની પાસેથી પાંચ લાખની લાંચ માંગી હતી. અને માલિશ માટે ત્રણ લિટર તેલ પણ માંગ્યુ હતું.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કુડલા ગામના ખેડૂત અરસંગ કેહરભાઇ રાઠોડે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ગુજરાત એસીબીને આ કલેક્ટરની વિરૂદ્ધ ચોંકાવનારા આક્ષેપો સાથેની ફરિયાદ કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, 27 જાન્યુઆરી 2020ના રોજ મારી સહી સાથેનું રૂપિયા એક લાખનો ચેક કલેક્ટરે લીધો હતો. અને ત્યારબાદ તેમના જ એક એજન્ટે ચાર લાખ રૂપિયા હથિયારનું લાયસન્સ માટે મેળવ્યા હતા. જો કે તેમણે હથિયારનો પરવાનો મળ્યો ન હતો. અને જ્યારે પૈસા પાછા માંગ્યા ત્યારે ધાક ધમકી આપી હતી.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના વહીવટી તંત્રના અને મિડિયામાં આ મામલો ચર્ચાઇ રહ્યો છે. શરૂઆતમાં કલેક્ટરનું નામ અને જિલ્લો જાહેર થયું ન હતું. પરંતુ હવે કલેક્ટરનું નામ, જિલ્લો અને ખેડૂત પાસેથી માલિશ માટે તેલ સ્વીકારતા હોય તેવો ફોટો એક પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થયો છે.

આ ખેડૂતે એસીબી, સીએમઓ વગેરેને લેખિતમાં ફરિયાદ કરી છે, પરંતુ કલેક્ટર સનદી અધિકારી હોવાથી તેમની સામે પોલીસ કેસ કરતા પહેલા સરકારની મંજૂરી અનિવાર્ય હોવાથી એસીબીના સત્તાવાળાઓએ સરકારમાંથી તપાસની સૂચના કે આદેશ મળે તેની રાહ જોઇ રહ્યા છે. ફરિયાદ કરનાર ખેડૂતની લાગણી છે કે, જ્યારે તેમણે એફિડેવિટ કરીને સમગ્ર હકિકત સરકારને એસીબીને આપી છે અને કલેક્ટરનું નામ તથા તસવીર પણ જાહેર થઇ ગઇ છે ત્યારે તાકિદે તપાસ હાથ ધરવી જોઇએ. ચુડાના આ ખેડૂતે એફિડેવિટમાં વોટ્સઅપ કોલિંગના ઇનકમિંગના સ્ક્રિનસોર્ટ સાથેના પૂરાવા પણ આપ્યા છે. કહેવાય છે કે આ કલેક્ટર સામે ચોથી અરજી મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here