દિવાળી : મહેસાણા : મિઠાઇ-ફરસાણના 24 વેપારીઓ પાસેથી રૂ.4.23 લાખ દંડ વસૂલાયો.

0
4

જિલ્લા તોલમાપ વિભાગે દિવાળીના તહેવારોમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં મિઠાઇ-ફરસાણના 24 વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં દરોડા પાડી નિયમોના ભંગ સહિતની ગેરરીતિ જણાઇ આવતાં રૂ.4.23 લાખનો દંડ વસૂલ્યો હતો.દિવાળીના તહેવારોમાં મિઠાઇ અને ફરસાણના વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા કરાતી ગેરરીતિને રોકવા માટે તોલમાપ વિભાગના અધિકારી એન.એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા તહેવારોના 4 દિવસ મહેસાણા જિલ્લાના મહેસાણા, કડી, સતલાસણા, ખેરાલુ, વિસનગર, વિજાપુર અને ઊંઝા તેમજ પાટણ જિલ્લાના હારિજ, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરમાં સપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું.

જેમાં 11 શહેર અને તાલુકાના 24 વેપારીઓ અને ઉત્પાદકો ગેરરીતિ પકડાતાં રંગે હાથ ઝડપાયા હતા. આ તમામ વેપારીઓ અને ઉત્પાદકો ઓછુ વજન, પેકિંગના નિયમનો ભંગ, રજીસ્ટ્રેશન વગર વેચાણ, વજનકાંટાની ચકાસણી અને છાપેલી કિંમતમાં છેડછાડ સહિતના નિયમોનો ભંગ કર્યો હતો. ઝડપાયેલા તમામ સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 ની 54 જોગવાઇના ભંગ બદલ રૂ.4.23 લાખનો દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

3 જિલ્લાના 11 વેપારીઓ સામે કાર્યવાહી ચાલુ

તોલમાપ વિભાગના નાયબ નિયંત્રક એન.એમ. રાઠોડે મહેસાણા અને પાટણ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં સપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલતા 6 વેપારીઓ, મિઠાઇ-ફરસાણમાં ઓછું વજન આપતાં 3 વેપારીઓ અને છાપેલી કિંમતમાં છેડછાડ કરનાર 2 વેપારીઓ સહિત કુલ 11 વેપારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 11 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હજુ ચાલુ છે.