મહેસાણા – કડી માં કાળાબજારમાં 6 વેપારીઓ દંડાયા, પાન મસાલા અને ગુટખામાં દોઢાથી બમણા ભાવ વસૂલતાં રૂ.83 હજારનો દંડ વસૂલાયો

0
15

મહેસાણા. લોકડાઉનમાં પાન મસાલા, ગુટખા અને સિગારેટમાં ઘણા હોલસેલરો અને રિટેલરો વધુ કિમત વસૂલી કાળાબજાર કરતા હોવાની ઊઠેલી બૂમને પગલે તોલમાપ વિભાગ દ્વારા દરોડા શરૂ કરાયા છે. બુધવારે મહેસાણા માલ ગોડાઉન વિસ્તારમાં એક હોલસેલર તેમજ કડીમાં માર્કેટયાર્ડ અને હાઈવે સહિત 5 વેપારીઓને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં દરોડા કરી પાન મસાલા, ગુટખા અને સિગરેટમાં દોઢથી બે ગણા વધુ ભાવ લેતા કે પેકેજીંગ પર નામ નિર્દેશ ના હોય એવા 6 વેપારીઓ પાસેથી કુલ રૂ.83 હજાર દંડ વસુલ્યો હતો.

મહેસાણા માલ ગોડાઉનમાં આસ્થા કોમ્પ્લેક્સમાં આવેલ પાન મસાલાના હોલસેલર એમ.આર. ટ્રેડિંગમાં તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડની ટીમે રેડ કરતાં આરએમડી પાન મસાલાના પેકેટના રૂ.420ના રૂ.500 લેવાતા હોવાનું તેમજ અન્ય  પાન મસાલાના પેકેટ ઉપર નિયમોનુસાર નિર્દેશો ન હોઈ વેપારી પાસેથી રૂ.33 હજાર દંડ વસૂલાયો હતો. જયારે કડીમાં કોમલ પ્રોવિઝન સ્ટોરમાં સોપારીના સીલબંધ પેકેટ્સમાં નિર્દેશો નહોતા, પેકિંગ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ પણ ન હતું. કડીના બહુચર જનરલ સ્ટોરમાં પણ ચોકસાઈ  અંગેના વજનો વસાવેલા નહોતા. કડીમાં પાંચ વેપારીઓ પાસેથી કુલ રૂ.50 હજાર દંડ વસૂલાયો હતો. તોલમાપ વિભાગની રેડથી કેટલીક દુકાનો બંધ થઇ ગઇ હતી.

ત્રણ વર્ષમાં બીજી વાર પકડાય તો કોર્ટ કેસ થાય

કોઈ વેપારી પેકેટ પર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેતા હોય તો ધી લિગલ મેટ્રોલોજી એક્ટની જોગવાઈઓ મુજબ  દંડની રકમ ભરપાઇ કરે તો માલ જપ્ત કરવાનો ન થાય, દંડ ભરપાઈ કરવા સંમત ન થાય તો માલ જપ્ત કરાય. પરંતુ એ જ વેપારી આવા જ ગુનામાં ત્રણ વર્ષમાં બીજી વખત પકડાય તો માલ જપ્ત કરી તેમની સામે કોર્ટ કેસ કરવામાં આવે છે અને કોર્ટના ચુકાદા પછી માલ મુક્ત થઈ શકે. ચાલુ વર્ષે પેટ્રોલપંપ તેમજ સસ્તા અનાજની દુકાનોમાં નિયત માત્રા કરતાં ગ્રાહકને ઓછું આપવાના કિસ્સામાં કોર્ટ કેસ કરાયેલા છે. એન.એમ. રાઠોડ, તોલમાપ અધિકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here