રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મોડી રાત્રે આગ લાગતાં કોરોનાના 5 દર્દી ભડથું, 1ની હાલત ગંભીર

0
11

રાજકોટ ના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

આગ લાગતાં અચાનક બૂમાબૂમ થવા લાગી

નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.

ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.

મૃતકોનાં નામ

  • રામશીભાઈ
  • નીતિનભાઈ બાદાણી
  • રસિકલાલ અગ્રાવત
  • સંજય રાઠોડ
  • કેશુભાઈ અકબરી

રાજકોટ માટે દુઃખદાયક ઘટનાઃ વિપક્ષના નેતા

આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જણાવે છે કે ‘પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની ફાયરની સુવિધા હતી, પરંતુ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે તેમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુઃખદાયક છે.’

બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાઃ ડીસીપી

આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા જણાવે છે કે ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.’

ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.

 

અગ્નિકાંડની ટાઇમલાઇનઃ કેટલા વાગે કઈ ઘટના બની એનો અહેવાલ

12.15 વાગ્યે ICU વિભાગના મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી.
12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો.
12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યા.
1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો.
1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

ઘટનાસ્થળની ભયાનક તસવીર.
(ઘટનાસ્થળની ભયાનક તસવીર.)
ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.
(ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.)
મહિલાને રેસ્ક્યૂ કરતી ફાયરબ્રિગેડની ટીમ.
મહિલાને રેસ્ક્યૂ કરતી ફાયરબ્રિગેડની ટીમ.
વધુ એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી.
વધુ એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી.
રેસ્ક્યૂ ઓપરેશનની તસવીર.
રેસ્ક્યૂ ઓપરેશનની તસવીર.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો.
આખો ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.

 

6 ઓગસ્ટે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી.

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી

25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

સપ્ટેમ્બરમાં વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી

ગત સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here