અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન બહાર ફરતી લુખ્ખાઓની ગેંગે ટ્રેન કોચના એટેન્ડન્ટનું અપહરણ કરી રૂ. 50 હજારની ખંડણી માંગી.

0
20

શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબર પ્લેટફોર્મ પાસે લુખ્ખા તત્ત્વોનો આંતક વધ્યો છે. બેફામ દેશી દારૂના વેચાણ અને લુખ્ખાઓના રેલવે પોલીસ અને LCBના હપ્તાથી લોકોના જીવ પર જોખમમાં મુકાયા છે. તૌફીક અને ભાંજાદાદાની ગેંગે રેલવેના કોચ એટેન્ડન્ટનું અપહરણ કરી મારમારી રૂ.50 હજારની ખંડણી માંગી હતી. ગેંગના માણસોએ યુવકના મિત્રને બોલાવી પૈસા લઈ આવવા કહ્યું હતું. જેના માટે ના પાડતાં તેને પણ ગેંગે મારમારી ડાબો હાથ ભાંગી નાખ્યો હતો. જેથી તેને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અપહરણની જાણ બાદ પણ તાત્કાલિક ન શોધી શકનાર કાલુપુર રેલવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

“ચલ બેઠ જા આતે હૈ” તેમ કહી બળજબરીથી બાઈક પર બેસાડી દીધો

ન્યુ નિકોલમાં અટક એપાર્ટમેન્ટમાં રહેતો અને કાલુપુર રેલવે સ્ટેશન પર ખાનગી રેલવે એટેન્ડન્ટ કંપનીમાં જુદી-જુદી ટ્રેનોમાં આશિષ વિનોદસિંગ ક્ષત્રિય (ઉ.વ.18) કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે મનીષ ગુપ્તા નામનો યુવક કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. શુક્રવારે બપોરે મનિષે આશિષને પ્લેટફોર્મ નંબર 12 પર કામ છે કહી બોલાવ્યો હતો. મનિષ ગોમતીપુરના ચારથી પાંચ લુખ્ખાઓ સાથે ઉભો હોવાથી ત્યાંથી પાછો ઓફિસ આવી ગયો હતો. ઓફિસનું કામ પતાવી બપોરે દોઢ વાગ્યે સાળંગપુર બ્રિજ ઉપર ફૂટપાથ પર શોર્ટ મોજા લેવા ઉભો હતો. ત્યારે બે બાઈક પર આવેલા મનિષ ગુપ્તા અને તેના સાગરીતે “ચલ બેઠ જા આતે હૈ” તેમ કહી આશિષને બળજબરીથી બાઈક પર બેસાડી દીધો હતો.

“તેરા પર્સ ભાંજા દાદા કો દે દે” તેમ કહી બધું લઈ લીધું હતું

મને ક્યાં લઈ જાવ છો? તેવો સવાલ આશિષે કરતા મનિષે પીઠમાં છરી અડાડી “ચૂપચાપ બેઠ વરના પુરી ઉતાર દુંગા” તેવી ધમકી આપી હતી. આરોપીઓ આશિષને કોઈ પતરાવાળી ઓરડીમાં લઈ ગયા અને મારમાર્યો હતો. મનિષે “તેરા પર્સ ભાંજા દાદા કો દે દે” તેમ કહી બધું લઈ લીધું હતું. આશિષએ રડતાં રડતાં છોડી દેવા આજીજી કરતા એક શખ્સે આવી ફરી મારમાર્યો હતો. આ શખ્સે “તું મેરે કો જાનતા નહીં, મેરા નામ તૌફીક હૈ, મેં યહા કા દાદા હું પુલીસ ભી મેરે સે ડરતી હૈ, મેને પુલીસવાલે કો છુરી હીલા દી થી”મનિષે કહ્યું કે, આ લોકો ખતરનાક છે. 6 મર્ડર કરી ચૂક્યા છે અને પોલીસવાળાને પણ છરી મારી છે. તારે છૂટવું હોય યો તૌફીક દાદાને પૈસા આપવા પડશે. તેમ કહી આશિષને ઘરે ફોન કરી 50 હજાર મંગાવવા કહ્યું હતું. જોકે આશિષએ ઘરે પૈસા નહિ હોય તેમ જણાવી ફોન ના કર્યો. આથી, આરોપી ઓએ તેણે ગડદાપાટુનો મારમાર્યો હતો.

8 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ થઈ

આરોપીએ આશિષના મિત્ર જયદીપને બોલાવ્યો હતો. જયદીપએ પણ આશિષના ઘરે ફોન કરવાની ના પાડતા આરોપીઓએ તેણે લાકડાના ફટકા મારી ઈજા કરી ડાબા હાથે ફ્રેક્ચર કરી પરત જવા દીધો હતો. આશિષનો ફોન બંધ આવતા તેની બહેને મનિષ ગુપ્તાને ફોન કર્યો હતો. ગુપ્તાએ તારા ભાઈને છોડાવવો હોય તો 50 હજાર લઈ કાલુપુર બાવાની દરગાહ પાછળ આવી જા, તેમ આશિષની બહેનને કહ્યું હતું. બાદમાં આરોપીઓને આશિષની બહેન રેલવે પોલીસ પાસે ગયાની શંકા ગઈ હતી. આથી આશિષને બેહોશીની હાલતમાં પ્લેટફોર્મ નં.12 થી શહેરકોટડા પોલીસ સ્ટેશન જવાના રોડ પર ફેંકી તમામ આરોપી જતા રહ્યા હતા. ભાનમાં આવતાં આશિષે તેનો ફોન ચાલુ કરતાં તેની મમ્મીનો ફોન આવ્યો હતો. બાદમાં પરિવારને આશિષ મળ્યો હતો. કાલુપુર રેલવે પોલીસે અપહરણ કરી,મારમારી લૂંટી લેતી અને ખંડણી ઉઘરાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર તૌફીકદાદા અને ભાંજાદાદા સહિત 8 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here