અમદાવાદ : હાઇવે પર સ્ત્રીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ચારની ધરપકડ

0
11

હાઈવે પર રૂપાળી સ્ત્રી જોઇને બ્રેક મારનારા માટે બોધપાઠ સમાન કિસ્સો અમદાવાદ ગ્રામવિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે હાઈવે પર સ્ત્રી વેશમાં છુપાયેલા શેતાને, અવરજવર કરતા વાહનોને રોકીને બાંધી દેતા અને લુંટ ચલાવનાર ગેંગના ચાર સાગરીતોને અમદાવાદ ગ્રામ્ય એલસીબી/એસઓજીએ ઝડપી લીધા છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓના અમદાવાદ, મોરબી અને આણંદ સહિત ચાર જગ્યાએ લૂંટ સહિતના ગુનાના ભેદ ઉકેલાયા છે. હાઈવેઉપર વાહન ચાલકોને લૂંટી લેવાની ઘટનામા સતત વધારો થતાં એલસીબીના સ્ટાફે સમગ્ર હાઇવે ઉપર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું ત્યારે જ એલસીબી પીઆઇ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાણંદ નજીક રેથલ હાઇવે પાસે સ્ત્રી વેશ ધારણ કરી શિકારની શોધમા બેઠેલા ડફેર ગેંગના ચાર સભ્યોને પોલીસે દબોચી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી અહમદ સિંધી અલારખા સિંધી અને ભુરાભાઈ સિંધી તથા ગનીભાઇ સિંધીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે રાતના સમયે બાઇક લઇ હાઇવે પર જતાં હતાં. દૂર બાઇક પાર્ક કરી સ્ત્રીના વેશમાં રોડ પર ઉભા રહેતા અને વાહનચાલકોને રોકી પછી લલચાવી ઝાડીઓમાં લઇ જઇ લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા.

હાલ આ મામલે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.