મહેસાણા : ઘાતક હથિયારો સાથે લુટારુ ટોળકી ઝડપાઇ, 3 મહેસાણાના, 3 પાટણના

0
6

મહેસાણા. સુરતમાં લૂંટને અંજામ આપવા નીકળેલી લુટારુ ટોળકીને મહેસાણા એલસીબીએ નુગર બાયપાસ પાસેથી ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 લુટારુ સામે ગુનો નોંધાયો છે.

તેઓ સુરત કિમ ખાતે રૂ.5 કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો હતો

એલસીબી પીએસઆઇ આર.કે. પટેલ તેમજ હે.કો. નરેન્દ્રસિંહ, એએસઆઇ હીરાજી, રત્નાભાઇ, રાજેન્દ્રસિંહ સહિત સોમવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે અગાઉ આંગડિયા લૂંટ-ધાડના ગુનાઓમાં પકડાયેલા અમરસિંહ હેમાજી ઠાકોર અને રીઝવાન ઉર્ફે લતીફ મીર એસ્ટીમ કાર (જીજે 01 એચએલ 7460)માં અન્ય ચાર શખ્સો સાથે હથિયારો લઇ લૂંટના ઇરાદે નુગર બાયપાસ સર્કલ નજીક શીવાલીક હોટલની સામે ભેગા થયા હોવાની બાતમી મળતાં પોલીસે કોર્ડન કરીને તમામ 6ને પકડી 5 છરા, લોખંડની ટોમી, ધોકા અને ગાડી સાથે ઝડપી પૂછપરછ કરી હતી. જેમાં તેઓ સુરત કિમ ખાતે રૂ.5 કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેઓ નુગર બાયપાસથી સુરત જવા રવાના થવાના હતા. લૂંટને અંજામ આપે તે પહેલાં ઝડપાયેલા લુટારુઓ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ 399, 400, 402 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

મુખ્ય ભેજાબાજ અમરસિંહ ઠાકોરે અગાઉ 70 લાખની લૂંટ આચરી હતી

સુરતમાં જે લૂંટને અંજામ આપવાનો હતો તેનો માસ્ટર માઇન્ડ અમરસિંહ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. તેને કમલેશજી ગમાજી ઠાકોર સાથે મળી વર્ષ 2016માં વિસનગરની 70 લાખની આંગડિયા લૂંટ કરી હતી અને તે મહેસાણા સબજેલમાં હતો અને 4 મહિના અગાઉ તે જેલમાંથી છુટ્યા હતા. અવારનવાર ટેલિફોનીક સંપર્ક કરતા આ બંને લુટારુઓએ 5 દિવસ અગાઉ સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને અન્ય 4 સાગરીતોને ભેગા કર્યા હતા. પ્લાન મુજબ હથિયાર અને ગાડીની વ્યવસ્થા અમરસિંહે કરી હતી.

લૂંટને સફળ બનાવવા રેકી કરાઇ હતી

ઝડપાયેલા લુટારુઓએ લૂંટને અંજામ આપતાં પહેલાં સુરતમાં લગભગ 10 દિવસથી રેકી કરી હતી અને તેમણે આંગડિયા અને હિરાના વેપારીઓને નિશાન બનાવવા પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં લૂંટ માટે ટિપ્સ આપનારા સુરતના હોવાનું મનાય છે ત્યારે પોલીસે તે દિશામાં તપાસ લંબાવી છે.

ઝડપાયેલા લુટારુઓમાં 3 મહેસાણાના, 3 પાટણના

  1. અમરસિંહ હેમાજી ભવાજી ઠાકોર    (રહે.બિસ્મીલ્લાબાદ, તા.સમી, પાટણ)
  2. કિરણસિંહ વિનયસિંહ ઝાલા    (રહે.ભલગામડા (કનોડા),તા.બહુચરાજી)
  3. રીજવાન ઉર્ફે લતીફ કનુભાઇ દાઉદભાઇ મીર (રહે.કટોસણ,ઉદપુરા, તા.મહેસાણા)
  4. કમલેશજી ગમાજી ઠાકોર    (રહે.ઇલમપુર, ઉંચારો ઠાકોરવાસ, જિ.પાટણ)
  5. વિજયજી દલાજી ઠાકોર    (રહે.ઇલમપુર, ઉંચારો ઠાકોરવાસ, તા.પાટણ)
  6. ભાવેશ અમરતભાઇ પરમાર    (રહે.હિંગળાજપુરા, જોગણીમાના મંદિર પાસે)