વડોદરા નજીક પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદમાં બાપાના 99માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી.

0
0

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીના જન્મસ્થળ પાદરામાં ઉજવાયેલા જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચાર દાયકા સુધી પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી તરીકે સેવા આપનાર સંત નારાયણ ચરણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જન્મોત્સવમાં આવેલા લોકો દ્વારા કોવિડ-19નું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. તમામ શ્રદ્ધાળુઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક પહેરવામાં આવ્યું હતું.

ચાણસદ ગામને દુલ્હન જેવું સજાવી દેવામાં આવ્યું

પ્રમુખ સ્વામીના જન્મ સ્થળ ચાણસદ ગામના લોકો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ગામ લોકો દ્વારા ગામને ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. એતો ઠીક ગામના દરેક લોકો દ્વારા પોતાના ઘરને દીવાળીની જેમ રોશનીથી શણગારી દેવામાં આવ્યું હતું. આ સાથે ગામમાં તોરણો અને ધજા-પતાકા લગાવી દેવામાં આવ્યા હતા. ગામને દુલ્હન જેવું સજાવી દેવામાં આવ્યું હતું.

નાના બાળકોથી લઇ મોટા લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા

પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મદિવસની પૂર્વ રાતથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઇ ગયો હતો. દેશ-વિદેશના લોકો પણ બાપાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો બાપાના જન્મદિનની ઉજવણી આવ્યા હોવા છતાં કોવિડ-19ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થયું હતું. નાના બાળકોથી લઇ મોટા લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું. ગામ લોકો દ્વારા સેનેટાઇઝની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચાણસદ ગામની દરેક શેરીઓમાં ઉત્સાહનું ઘોડાપૂર જોવા મળ્યું

પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મ દિવસ નિમીત્તે ચાણસદ ગામ સ્થિત મંદિરને પણ ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યું હતું. આ સાથે અન્નકૂટ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો લીધો હતો. પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાણસદ ગામની દરેક શેરીઓમાં ઉત્સાહનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here