સ્ત્રીના લગ્નની યોગ્ય ઉંમરનો કાયદો ઘડાશે, સરકાર કરી રહી છે તૈયારી

0
5

સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત, લદ્દાખમાં ચીન સાથે વિવાદ, કોરોના મહામારી જેવા મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશની દિકરીઓને પણ સલામ કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે સ્ત્રીના લગ્નની ઉંમરને લઈને સરકાર સમીક્ષા કરી રહી છે. વડાપ્રધાને કહ્યુ કે સ્ત્રીના લગ્નની યોગ્ય ઉંમર કઈ હશે, જે માટે અમે સમિતિ બનાવી છે. તેનો રિપોર્ટ આવતા જ સ્ત્રીના લગ્નની ઉંમરને લઈને પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

મહિલાઓના ખાતામાં 30 હજાર કરોડ નાખવામાં આવ્યા

પીએમ મોદીએ કહ્યુ કે દેશના જે 40 કરોડ જનધન ખાતા ખુલ્યા છે. તેમાંથી લગભગ 22 કરોડ ખાતા મહિલાઓના જ છે. કોરોનાના સમયમાં એપ્રિલ-મે-જૂન, આ ત્રણેય મહિનાઓમાં મહિલાઓના ખાતામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજે ભારતમાં મહિલાઓ અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણોમાં કામ કરી રહી છે તો યુદ્ધ વિમાનોથી આકાશની બુલંદીઓને પણ સ્પર્શી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે અમારો અનુભવ કહે છે કે ભારતમાં મહિલા શક્તિને જ્યારે પણ અવસર મળ્યો, તેમણે દેશનુ નામ રોશન કર્યુ, દેશને મજબૂતી આપી છે. તેમણે કહ્યુ કે ગર્ભવતી મહિલાઓને સેલરી સાથે 6 મહિનાની રજા આપવાના નિર્ણયની વાત હોય, આપણા દેશની મહિલાઓ જે તીન તલાકના કારણે પીડિત રહેતી હતી, એવી મહિલાઓને આઝાદી અપાવવાનુ કામ હોય, સરકારે આ વિશે કામ કર્યુ છે. ગરીબ પુત્રીઓના સ્વાસ્થ્યની ચિંતા પણ અમારી સરકાર સતત કરી રહી છે.