વડોદરા : રસ્તા પર પડેલા ભૂવાનું નિરીક્ષણ કરવા ગયેલા પાલિકાના મહિલા ઇજનેરને ટુ-વ્હીલર મૂકવા બાબતે સ્થાનિક મહિલાએ લાફો માર્યાનો આક્ષેપ

0
0

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા શોભનાનગર પાસે રસ્તા ઉપર ટુ-વ્હીલર મૂકવા બાબતે સ્થાનિક મહિલાએ પાલિકાની મહિલા ઇજનેરને લાફો મારવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. મહિલા ઇજનેર સાથી મહિલા ઇજનેર સાથે રોડ ઉપર પડેલા ભૂવાનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા.

મહિલા ઇજનેર રસ્તા પર પડેલા ભૂવાનું નિરીક્ષણ કરવા ગયા હતા
વડોદરા શહેરના વોર્ડ નં-6માં આવેલા વાસણા રોડ શોભનાનગર પાસે મોટો ભૂવો પડ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ ઓફિસમાં જાણ કરતા વોર્ડના ગટર વિભાગના એડિશનલ આસિસન્ટન્ટ કાર્યપાલક ઇજનેર આશાબહેન વાઘેલા અને પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસન્ટન્ટ કાર્યપાલક ઇજનેર મેઘાબહેન વણકર ટુ-વ્હીલર લઇને સ્થળ નિરીક્ષણ કરવા માટે ગયા હતા. તે સમયે સ્થાનિક લોકો પણ આવી પહોંચ્યા હતા.

મહિલા ઇજનેરના ટુ-વ્હીલરને લાત મારીને લાફો માર્યાનો આક્ષેપ
પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસન્ટન્ટ ઇજનેર મેઘાબહેન વણકરે પોતાનું ટુ-વ્હીલર રસ્તા ઉપર પાર્ક કર્યું હતું અને રોડ ઉપર પડેલા ભુવાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે સમયે સ્થાનિક રાખીબહેન ઠાકોર નામની મહિલા પોતાનું ટુ-વ્હીલર લઇને નીકળ્યા હતા. સ્થાનિક રાખીબહેને મેઘાબહેનને ટુ-વ્હીલર હટાવવા માટે જણાવતા મામલો બીચક્યો હતો. ઇજનેરે વ્હીકલ ન હટાવતા રાખીબહેને લાત મારી ટુ-વ્હીલરને ફંગોળી દીધું હતું. આ ઉપરાંત રાખીબહેન ઠાકોરે પાલિકાના પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસન્ટન્ટ એન્જિનિયર મેઘાબહેન વણકરને લાફો મારી દીધો હતો. તે સમયે સાથી કર્મચારી આશાબહેન વાઘેલા દોડી આવતા રાખીબહેને તેઓ સાથે પણ ઉદ્ધાતાઇ ભર્યું વર્તન કર્યું હતું.

લાફો મારવાનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
શોભનાનગર પાસે આ બનાવ બનતા લોકોના ટોળા વળી ગયા હતા. આખરે આ મામલો જે.પી. પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કોર્પોરેશનના મહિલા કર્મચારીઓએ રાખીબહેન ઠાકોરે લાફો માર્યો હોવાનો આક્ષેપ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. સવારે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મહિલા કર્મચારીઓની મદદ વોર્ડના અન્ય કર્મચારીઓ પણ પોલીસ મથકે દોડી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here