વિરમગામ: શુક્રવારે સવારે 11 કલાક આસપાસ ભરવાડી દરવાજા અંદર જીઇબીની ડીપી નજીક અવાવરૂ જગ્યામાં એક મહિલા અને શખ્સ ગયા હતા. જ્યાં મહિલા ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી છાતીના ભાગે 3થી 4 ધા કરતા મહિલાએ ચીસો અને બૂમાબૂમ કરતા સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. જે દરમિયાન 3 જેટલા વધુ છરીના ઘા મારતા મહિલાના હાથમાં અને છાતીમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે શખ્સે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
પ્રેમીનું સારવાર દરમિયાન મોત: રાહદારીઓ દ્વારા શખ્સને પકડીને નજીકની પોલીસચોકીમાં પૂરી દીધો હતો. જ્યારે મહિલાને 108 દ્વારા ખાનગી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ત્યાં તેને 14 ટાકા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે વિરમગામ ટાઉન પોલીસ ભરવાડી દરવાજા પો.ચોકી ખાતે આવી હુમલાખોર શખ્સની તબિયત બગડેલી જોતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. જ્યાં શખ્સ દ્વારા જંતુનાશક દવા પીધેલી હોવાનું જણાયું હતું. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન જ શખ્સનુ મોત નિપજયુ હતું.
પતિ અને સંતાનોને મુકી મહિલા પ્રેમી પાસે રહેવા ગઈ: ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર મહિલાનું નામ ગીતાબેન વિનુજી ઠાકોર (ઉ 35 વર્ષ મુળ.રહેવાસી જુનાપાધર તાલુકો વિરમગામ) પરણિત અને 3 સંતાનોની માતા છે. ત્યારે વિનુજી ઠાકોર અસ્થિર મગજના છે. ગીતાબેન 8 માસ પૂર્વે ગેડિયા ગામના શખ્સ સાથે પરિચયમાં આવેલી અને ટેલિફોનિક વાતચીત દરમિયાન પ્રેમ સંબંધ બંધાતા ગીતાબેન પતિ અને બાળકોને મૂકીને ગેડીયા ગામ રહેવા જતા રહ્યા હતા. પ્રેમી ધરમશી ડાયાભાઇ 3 સંતાનોનો પિતા હોવાનું જાણવા મળેલ છે તેમજ અન્ય શખ્સો સાથે ગીતાબેનને જબરજસ્તીથી શરીર સંબંધ બંધાવતો હોય 5 દિવસ પહેલા ગેડિયા ગામેથી ભોજવા ખાતે પોતાના સંબંધીના ત્યાં આવી ગયા હતા. ત્યારે પોતાના અને બાળકોના આધાર કાર્ડ ચુંટણીકાર્ડ સહિતના પુરાવા પાછા આપવા કહેતા દેવીપુજક ધરમશી ડાયાભાઈ વિરમગામ આવી ગીતાબેન કાગળ લઈ જવા ભરવાડી દરવાજા પાસે બોલાવી છરી વડે હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર કોર્ટમાં બંનેએ લગ્ન કર્યા: જ્યારે મૃતક ધરમશીભાઈના પુત્રના જણાવ્યાનુસાર મારા પિતાજી એ મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાતા મહિલા અમારા ઘરે રહેવા આવી ગઈ હતી. જે દરમિયાન સુરેન્દ્રનગર કોર્ટમાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે તેમજ તેના અગાઉના પતિને છૂટાછેડાના રૂપિયા બે લાખ ચૂકવેલા છે.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી: 5 દિવસ પહેલા મારા પિતા અને આ મહિલા બંને સાથે વિરમગામ આવેલ ત્યાંથી આ મહિલા ગુમ થઈ હતી. જે બાબતે મારા પિતાજીએ એમના સગાવહાલાઓના ત્યાં પણ શોધખોળ કરી હતી. ત્યારે બે દિવસ પહેલા પોતે ભોજવા હોવાનો ફોન આવ્યો હતો. હવે હું ગેડીયા નહીં આવું તેમ જણાવ્યું હતું. ત્યારે મારા પિતાએ કહેલ કે રહેવું ન હતું તો આવું બધું કરી મને ફસાવી દીધો શુક્રવારે સવારે મારા પિતાજી વિરમગામ ગયા અને બપોરે તેમના મોતના સમાચાર મળ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ બનાવ બાબતે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.