સુરત : કોરોનાના દર્દીને પાડોશીએ પોતાનું ઘર હોમ આઈસોલેશન માટે આપ્યું

0
3

સુરત. કળિયુગમાં પણ પાડોશી ધર્મ જીવિત રાખતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેન્સરગ્રસ્ત કોરોનાના દર્દીને પાડોશી લોકોના વિરોધની પરવાહ કર્યા વિના પોતાનું ઘર આઇશોલેશન માટે આપ્યું હતું. પુણાગામની સોસાયટીમાં  મોઢાનું કેન્સર ધરાવતા દર્દીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમના ઘરે આઈસોલેશનની સુવિધા ન હોવાથી પાડોશીએ પોતાનું 2 રૂમનું ઘર આપીને પાડોશી ધર્મ નિભાવ્યો. તેવી જ રીતે ગીતા નગર-2ના  49 નંબરના ઘરના માલિકે પણ પાડોશીને હોમ આઈસોલેશન માટે પોતાનું ઘર આપ્યું હતું. સમાજ અને સંબંધીઓએ કોરોનાના દર્દીઓને ઘર આપવાથી કોરોના થશે એવું કહીને ડરાવ્યા છતાં આ બંને પાડોશીઓએ ડર્યા વગર દર્દીની સેવા કરી હતી.

હોસ્પિટલમાં ભોજનની અસુવિધા થાત

સુંદરવનમાં રહેતા 45 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ મોઢાનું કેન્સર હોવાને લીધે તેઓ ફક્ત લિક્વિડ જ પી શકે છે. જો કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે જાય તો, તેમને ભોજનની તકલીફ પડી શકે તેમ હતું. તેમજ હોમ આઈસોલેશન સુવિધા પણ ન હતી. જેથી પાડોશી નિલેશભાઈ દેવાણીએ માનવતાના ધોરણે પોતાનું બે રૂમનું મકાન દર્દીને હોમ આઈસોલેશન માટે આપ્યું હતું.

મહાન કામ નહીં પણ ધર્મ નિભાવી રહ્યા છે

મને  લોકોએ કહ્યું કે,‘તમારું ઘર કોરોનાના દર્દીને આપશો તો તમારા પરિવારને પણ કોરોના થઈ શકે છે. પરંતુ મેં માનવતાના ધોરણે પાડોશીને મકાન આપ્યું. મકાન આપીને મેં કોઈ મહાન કામ કર્યુ નથી. માત્ર માનવતા નિભાવી છે. : નિલેશ દેવાણી, ઘર આપનાર 

હોમ આઈસોલેશન માટે ખાલી ઘર આપે છે

અમારા વિસ્તારના લોકોને અમે સમજાવીએ છીએ કે, શક્ય હોય તો હોમ આઈસોલેશન કરવું જોઈએ. કોઈના ઘરે હોમઆઈસોલેશનની સુવિધા ન હોય તો મકાન માલિક પોતાનું ખાલી ઘર હોમ આઇસોલેશન માટે આપી રહ્યા છે. : દિનેશ સાવલિયા, કોર્પોરેટર