પ્રખ્યાત ભારતીય ચિત્રકાર એમ.એફ. હુસૈનના એક પેઇન્ટિંગે હરાજીમાં ઇતિહાસ રચ્યો છે. તેમનું પેઇન્ટિંગ $13.8 મિલિયન એટલે કે લગભગ રૂ. 118 કરોડમાં વેચાયું હતું. આધુનિક ભારતીય આર્ટવર્ક માટે જાહેર હરાજીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. એમ.એફ. હુસૈનના પેઇન્ટિંગ અનટાઇટલ્ડ(ગ્રામયાત્રા)ની આ હરાજી ન્યૂયોર્કના ક્રિસ્ટીઝ ખાતે થઈ હતી. હરાજી બાદ આ પેઇન્ટિંગ અજાણી સંસ્થા દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
આ હરાજી બ્રિટિશ ઓક્શન કંપની ક્રિસ્ટીઝ દ્વારા 19 માર્ચે કરવામાં આવી હતી. અગાઉ, આધુનિક ભારતીય કલાનું સૌથી મોંઘું પેઇન્ટિંગ અમૃતા શેરગિલનું વર્ષ 1937માં ‘ધ સ્ટોરી ટેલર’ હતું. એમએફ હુસૈનના પેઇન્ટિંગની હરાજી શેરગીલના પેઇન્ટિંગ કરતાં લગભગ બમણી કિંમતે થઈ છે. 2023માં, ધ સ્ટોરી ટેલરને મુંબઈમાં એક હરાજીમાં અંદાજે $7.4 મિલિયન એટલે કે રૂ. 61.8 કરોડમાં વેચવામાં આવ્યું હતું.
14 ફૂટના કેનવાસ પર બનેલું, એમએફ હુસૈનનું ‘ગ્રામયાત્રા’ નામનું પેઇન્ટિંગ 13 ભવ્ય પેનલોથી બનેલુ છે જે સ્વતંત્ર ભારતની વિવિધતા અને ગ્રામીણ જીવનનું દર્શન કરાવે છે. આ પેઇન્ટિંગને હુસૈનના ચિત્રોની આધારશીલા માનવામાં આવે છે.
હુસૈન દ્વારા 1954માં બનાવેલ આ પેઇન્ટિંગ લગભગ 14 ફૂટ લાંબું છે અને તેમાં ભારતીય ગામોના 13 અલગ-અલગ દૃશ્યો બતાવવામાં આવ્યા છે. તેને 70 વર્ષ બાદ પ્રથમ વખત જાહેર હરાજી માટે લાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ મૂળ 1954માં નવી દિલ્હીમાં નોર્વેજીયન જનરલ સર્જન અને કલા કલેક્ટર લિયોન એલિયાસ વોલોડાર્સ્કીએ ખરીદ્યું હતું. બાદમાં 1964માં તે ઓસ્લો યુનિવર્સિટી હૉસ્પિટલને દાનમાં આપવામાં આવ્યું હતું, જ્યાં તેને ખાનગી ન્યુરોસાયન્સ કોરિડોરમાં રાખવામાં આવ્યું હતું.
17 સપ્ટેમ્બર 1915ના રોજ મહારાષ્ટ્રના પંઢરપુરમાં જન્મેલા હુસૈન ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય કલાકારોમાંના એક છે. ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ભારતીય સંસ્કૃતિના શોખીન હુસૈને તે સમયના રાજકારણના સંદર્ભમાં દેવી-દેવતાઓના ચિત્રો બનાવ્યા હતા. જેના કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ ફસાયા હતા.
તેની સામે ઘણી એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેનાથી પરેશાન થઈને હુસૈનને દેશ છોડવાની ફરજ પડી હતી. તે દુબઈ ગયા અને પછી ન્યૂયોર્ક અને લંડનમાં રહ્યા. 9 જૂન 2011ના રોજ 95 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.