નગરોટા એન્કાઉન્ટર : જૈશ આતંકીઓ સાથે ચેટ કરી રહ્યો હતો પાકિસ્તાની હેન્ડલર, સ્થિતિથી લઈને લોકેશન સુધીની માહિતી લીધી.

0
8

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકી માર્યા ગયા હતા. આ આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે ચેટ કરી રહ્યા હતા. ત્યાંથી તેમને સૂચનાઓ આપવામાં આવતી હતી. આતંકવાદીઓના મોબાઈલ ફોનની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે.

સુરક્ષાદળોએ આતંકીઓની પાસે પાકિસ્તાનમાં બનેલા MPD-2505 મોડેલના મોબાઈલ હેન્ડસેટ જપ્ત કર્યા છે. એમાં પાકિસ્તાનનાં સિમ કાર્ડ છે. આ મોબાઈલ હેન્ડસેટ એન્ડ્રોઈડ ફોન નથી. ખાસ વાત એ છે કે તેમાં કી-એપ પણ નથી. તેમાં માત્ર ટેકસ્ટ મેસેજથી કરાયેલી ચેટ જોવા મળ્યા.

આતંકીઓ સાથે પાકિસ્તાની હેન્ડલરનાં ચેટ

મૃત આતંકીઓમાંથી એકને તેના હેન્ડલરે મેસેજમાં પૂછ્યું, ‘કહાં પહુંચે? ક્યા સૂરતેહાલ હૈ? કોઈ મુશ્કિલ તો નહીં?’

પાકિસ્તાનમાં બનેલા એમપીડી-2505 મોબાઈલ ફોનનો સ્ક્રીનશોટ, જેમાં પાકિસ્તાની હેન્ડલર આતંકીને એનું લોકેશન પૂછી રહ્યો છે.
(પાકિસ્તાનમાં બનેલા એમપીડી-2505 મોબાઈલ ફોનનો સ્ક્રીનશોટ, જેમાં પાકિસ્તાની હેન્ડલર આતંકીને એનું લોકેશન પૂછી રહ્યો છે.)

 

એ આતંકીએ જવાબ આપ્યો, ‘2 વાગ્યે’. આ બધાં ચેટ રોમન લેટર્સમાં છે.

પાકિસ્તાની હેન્ડલરના સવાલ બાદ આતંકીએ ખૂબ નાનો જવાબ આપ્યો. તેણે માત્ર 2 વાગ્યે એમ જ લખ્યું.
(પાકિસ્તાની હેન્ડલરના સવાલ બાદ આતંકીએ ખૂબ નાનો જવાબ આપ્યો. તેણે માત્ર 2 વાગ્યે એમ જ લખ્યું.)

 

આતંકીઓના પ્લાનિંગની તપાસ ચાલુ

તપાસ એજન્સીઓ માટે આ માહિતી ખૂબ મહત્ત્વની છે. એનાથી બોર્ડર ક્રોસ કરવાનો અને ત્યાંથી હાઈવે સુધી આવવાના સમયનો ખ્યાલ આવે છે. અત્યારે ચારેય મોબાઈલ ફોનની તપાસ થઈ રહી છે. આ સાથે જ બીજા મેસેજ પણ ટ્રેસ કરવાની કોશિશ ચાલુ છે. એનાથી આતંકીઓની મેલી મુરાદ શું હતી એના મહત્ત્વના પુરાવા હાથ લાગી શકે છે.

બોર્ડર ક્રોસ કરે એ પહેલાં અપાયા હતા મોબાઈલ

ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોના અનુસાર, આ આતંકીઓને મોબાઈલ ફોન બોર્ડર ક્રોસ કરતાં પહેલાં આપવામાં આવ્યા હતા. ભારતની સરહદમાં આવ્યા પછી એક ગાઈડ તેમને જમ્મુ-દિલ્હી હાઈવે સુધી લાવ્યો હતો. ત્યાંથી તેમને ટ્રકમાં બેસાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓ આતંકીઓના એ ગાઈડની શોધ કરી રહી છે.

ટોલ પ્લાઝા પર ટ્રકનો નંબર ટ્રેસ થયો

ગુરુવારે સવારે કાશ્મીર તરફ લઈ જતી વખતે આતંકીઓની ટ્રક સવારે 3.55 વાગ્યે સામ્બા જિલ્લાના ઠંડી ખુઈ ટોલ પ્લાઝા ક્રોસ કર્યું. અહીં ટ્રકનો નંબર જેકે 01એલ 1055 ટ્રેસ થયો. અહીંથી લગભગ 35 કિમી દૂર બન ટોલ પ્લાઝા પર આ ટ્રક 4.45 વાગ્યે પહોંચી. આ જગ્યાએ જ સુરક્ષાદળોએ આતંકીઓથી ભરેલી ટ્રકને ઉડાવી દીધી હતી.