બાળકીને ગંભીર સ્થિતિમાં રાજકોટ સિવિલમાં ખસેડાઈ અજાણી સ્ત્રી તેમજ તેની સાથે સામેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ આદરી .સાયલાના અંતરિયાળ ચિત્રાલાંક ગામની સીમમાં આવેલ વાડીમાં નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળતા ત્યાંથી પસાર થતા ખેતમજૂરે ફોનની લાઇટ કરતા કોઇ સ્ત્રી દ્વારા પ્રસુતિ બાદ તાજુ જન્મેલ નવજાત શિશુ તરછોડાયેલી હાલતમાં જોવા મળતા ચોંકી ઉઠયા હતા. નવજાત બાળકની સ્થિતિ જોતા તેમણે તુરંત પોતાના વાડી માલિકને ફોન કરી જાણ કરતા ત્યજેલી ફૂલ જેવી નવજાત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે નવજાતને ખેતરમાં છોડી જનાર અજાણી સ્ત્ર્રી તથા તેની સાથે સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચકચાર મચી જવા પામી છે.
સાયલા તાલુકાના ચિત્રાલાંક ગામમાંથી કરીયાણું ખરીદી વાડીએ ચાલીને જતા સમયે ખેતમજૂરી કરતા અનીલભાઇ સોમલાભાઇ ડીંડોરે એક ખેતરમાં નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળી ત્યાં ફોન કરી જોતા ખુલ્લામાં એક તાજું જન્મેલ બાળ શિશુ દેખાતા તુરંત વાડી માલિકના ભાઇ રૈયાભાઇ કણસાગરાને ફોનથી જણાવતા તેઓ તુરંત ઇશ્વરીયાથી બનાવ સ્થળે પોતાની કાર લઇને પહોંચી ગયા હતા. આ સમયે તેમણે 108ને તેમજ પોલીસને પણ જાણ કરી દેતા ડોળીયા પાસે નવજાત બાળકીને કારમાંથી 108 એમ્બ્યુલન્સમાં રાખી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ખુલ્લામાં ત્યજી દેવાયેલ તાજી જન્મેલી બાળકીની સ્થિતિ ગંભીર હોય તુરંત સુરેન્દ્રનગર તથા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ અધુરા માસે જન્મેલી અને ફ્ક્ત નવસો ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીની સ્થિતિ હાલ ગંભીર છે. ત્યારે ફૂલ જેવી કોમળ બાળકીને ખેતરમાં ત્યજી દેનાર જનેતા પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. આ બાબતે રૈયાભાઇની ફરીયાદ આધારે સાયલા પોલીસે બાળકીને ત્યજી દેનાર માતા તથા તેની સાથે સામેલ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે .