વડોદરા : મકરંદ દેસાઇ રોડ પર જ્વેલર્સની દુકાનમાં રીક્ષા ચાલકે માલિકને લૂંટવાનો પ્રયાસ કર્યો, આરોપીની ધરપકડ

0
5

વડોદરા શહેરના મકરંદ દેસાઇ રોડ ઉપર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા માટે ગયેલા લૂંટારાને પોલીસે આબાદ ઝડપી પાડ્યો હતો. આ લૂંટારાએ દુકાન માલિકને બેશુદ્ધ થઇ જવાય તેવું સ્પ્રે કરેલો રૂમાલ સુંઘાડીને સોનાની ચેઇન અને ગલ્લામાંથી રોકડની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

લૂંટારાએ માલિકને બળજબરીથી રૂમાલ સુંઘાડવાનો પ્રયાસ કર્યો
વડોદરાના મકરંદ દેસાઇ રોડ ઉપર શિવશક્તિ શોપિંગ સેન્ટર રાજીવનગર-1 સ્વામિનારાયણ મંદિર સામે આવેલ સોના-ચાંદીની જીન કુશલ જ્વેલર્સની દુકાનમાં બપોરના સમયે દુકાનમાં ગયો હતો. અને હાઉસ ક્લિનીંગની વસ્તુનું કોટેશન માગ્યું હતું. દુકાન માલિક અલગ-અલગ ચિજવસ્તુઓના ભાવ લખીને કોટેશન તૈયાર કરીને ગ્રાહકમાં સ્વાંગમાં લૂંટારાને બતાવી રહ્યા હતા. તે સમયે લૂંટારાએ પોતાની પાસેનો સ્પ્રે મારેલો રૂમાલ દુકાન માલિકને સુંઘવા માટે આપ્યો હતો. પરંતુ, દુકાન માલિકે રૂમાલ ન સુંઘતા લૂંટારાએ બળજબરીપૂર્વક રૂમાલ સુંઘાડવાની કોશિષ કરીને દુકાન માલિકે પહેરેલી સોનાની ચેઇન લૂંટવાનો તેમજ દુકાનના ગલ્લામાંથી કેશ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે લૂંટના પ્રયાસમાં સફળ થયો નહોતો.

પકડાયેલો આરોપી રીક્ષા ચાલક હોવાનું ખુલ્યુ
જોકે, ગ્રાહકના સ્વાંગમાં આવેલો લૂંટારૂ લૂંટ ચલાવવાના પ્રયાસમાં સફળ થાય તે પહેલા જ ગોત્રી પોલીસે લૂંટારાને ઝડપી પાડ્યો હતો. લૂંટારાની પૂછપરછ કરતા તેણે તેનું નામ જગદીશ રમેશચંદ્ર ઠક્કર (રહે. 47, 125, જવાહરનગર ઘડિયાળી સર્કલ પાસે તેમજ સી-71, કર્મજ્યોત સોસાયટી, ગોત્રી) હોવાનું જણાવ્યું હતું. લૂંટ કરવામાં નિષ્ફળ ગયેલ જગદીશ ઠક્કર ઓટો રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગોત્રી પોલીસે લૂંટની કોશિષ કરવાના ગુનામાં ઝડપાયેલા લૂંટારા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here