સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે સી-પ્લેન ઊતરશે, જેટી બનાવવા 20 ટનના 6 બ્લોક રિવરફ્રન્ટ પહોંચ્યા

0
5

ઉડાન યોજના હેઠળ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન માટે નક્કી કરાયેલા 16 માર્ગ પૈકી દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ થવાની છે અને એ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સાબરમતીથી કેવડિયા સી-પ્લેનથી જાય એ માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જમાલપુર સરદાર બ્રિજથી વાસણા આંબેડકર બ્રિજ વચ્ચે સી-પ્લેન લેન્ડ બનશે. રિવરફ્રન્ટ પર એરોડ્રામ માટે જેટી બનાવવા આજે સિમેન્ટના બ્લોક લાવવામાં આવ્યા છે. 20 ટન જેટલું વજન ધરાવતા છ બ્લોક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવ્યા છે. હવે ક્રેન મારફત આ બ્લોકને નદીમાં નક્કી કરાયેલી જગ્યાએ ગોઠવવામાં આવશે. એરોડ્રામથી પેસેન્જરને પ્લેન સુધી પહોંચવા માટે નદીમાં બ્લોક ગોઠવવામાં આવશે. જેથી આ સ્થળે નદીના પાણીનું હાલ જે સ્તર છે એમાં એકથી દોઢ ફૂટ જેટલી સપાટી વધારવામાં આવી શકે છે.

આંબેડકર બ્રિજ પાસે જમીન ફાળવવામાં આવી

સી-પ્લેનના એરોડ્રામ માટેની જમીન સાબરમતી નદીના પશ્ચિમ બાજુના આંબેડકર બ્રિજ પાસેના પાલડી બાજુ ફાળવવામાં આવી છે. અગાઉ આ જગ્યા પર ગાર્ડન બનાવવાની યોજના હતી, પરંતુ હવે એરોડ્રામ માટે ફાળવવામાં આવી છે. અમદાવાદ સાબરમતીમાં વોટર એરોડ્રામ માટે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન એરોડ્રામ બનાવવા માટેની લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવતી હોવાની રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી.

20 ટન જેટલું વજન ધરાવતા છ બ્લોક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવ્યા
(20 ટન જેટલું વજન ધરાવતા છ બ્લોક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવ્યા)

 

રોજની ચાર ઉડાન ભરાશે

2017માં વિધાનસભાની ચૂંટણી સમયે પીએમ મોદીએ સી-પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે, કેન્દ્ર સરકારે 19 પેસેન્જરની ક્ષમતા ધરાવતાં ત્રણ એરોપ્લેનની પસંદગી કરી લીધી છે. આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઊડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સી-પ્લેન દ્વારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર 50 મિનિટમાં કાપી શકાશે. અમદાવાદથી બાય રોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવામાં ૩ કલાક જેટલો સમય લાગે છે. આ સિવાય સી-પ્લેનની સર્વિસ શરૂ કરવા માટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસંદ કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી લાઇટ ઉડાણ ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાયલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.