30 દિવસમાં બીજીવાર 5 જુલાઈએ મંદ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે; ચંદ્ર સામે ધૂળ જેવું પડ છવાઇ જશે, આ ગ્રહણનું સૂતક લાગશે નહીં

0
8

5 જુલાઈએ ફરી ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. મહિનામાં આ બીજું ચંદ્રગ્રહણ છે. 30 દિવસ પહેલાં 5 જૂને પણ ચંદ્રગ્રહણ થયું હતું. આ ગ્રહણ મંદ ગ્રહણ છે. જેમાં ચંદ્ર સામે ધૂળ જેવું પડ છવાઇ જાય છે. જે જોવા મળી શકતું નથી. માટે જ, આ ગ્રહણનું કોઇ ધાર્મિક મહત્ત્વ નથી.

આ ગ્રહણને ઉપછાયા અને પેનુમબ્રલ ગ્રહણ પણ કહેવામાં આવે છે. આ દિવસે અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા રહેશે. ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ રહેશે નહીં. જેના કારણે પૂર્ણિમા સાથે સંબંધિત બધા જ પૂજન કર્મ કરી શકાશે.

ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક અને ઉપછાયા. પૂર્ણિમા તિથિએ જ્યારે પૃથ્વીની છાયાથી ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઇ જાય છે ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રના થોડા ભાગ ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે અને થોડો ભાગ જોવા મળે છે તો આંશિક ચંદ્રગ્રહણ થાય છે. આ બંને ગ્રહણોનું ધાર્મિક મહત્ત્વ હોય છે. તેનું સૂતક પણ રહે છે.

ઉપછાયા, મંદ એટલે પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઉપર પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે પડતી નથી. ચંદ્રની આગળ ધૂળ જેવી છાયા જોવા મળે છે. આ પ્રકારના ચંદ્રગ્રહણની ધાર્મિક અસર ન હોવાથી તેનું મહત્ત્વ પણ નથી. આ માત્ર એક ખગોળીય ઘટના છે.

આ ગ્રહણ ક્યા-ક્યા જોવા મળશેઃ-
ભારતીય સમય પ્રમાણે 5 જુલાઈએ સવારે 8.37 વાગ્યાથી આ ગ્રહણ શરૂ થશે અને 11.22 વાગ્યે તે પૂર્ણ થશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, ઇરાન, ઈરાક, રશિયા, ચીન, મંગોલિયા અને ભારતના બધા જ પાડોસી દેશને છોડીને આખી દુનિયામાં જોવા મળશે. ત્યાર બાદ 30 નવેમ્બરે પણ આવું ગ્રહણ જોવા મળશે.

ચંદ્રગ્રહણ કેમ થાય છે?
આ સંબંધમાં ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ છે. ધર્મ પ્રમાણે, જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્યને ગ્રસિત કરે છે ત્યારે ગ્રહણ થાય છે. વિજ્ઞાન પ્રમાણે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવી જાય છે અને ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે ત્યારે ગ્રહણ થાય છે. આ પ્રકારે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લાઇનમાં આવી જાય છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે. આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

30 દિવસમાં 3 ગ્રહણઃ-
5 જૂને મંદ ચંદ્રગ્રહણ, 21 જૂને સૂર્યગ્રહણ અને પછી 5 જુલાઈએ મંદ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. આ પ્રકારે 30 દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બની રહ્યો છે. ત્યાર બાદ 30 નવેમ્બરે મંદ ચંદ્રગ્રહણ થશે, જે એશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. વર્ષના અંતમાં 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં.

2020 પછી 2023માં મંદ ચંદ્રગ્રહણ થશેઃ-
નાસાની ગ્રહણ સાથે સંબંધિત વેબસાઇટ પ્રમાણે, 2020 પહેલાં 10 વર્ષમાં આવું ચંદ્રગ્રહણ 6વાર થયું છે. જ્યારે 2020માં આવા 2 મંદ ચંદ્રગ્રહણ થઇ ગયા છે. ત્રીજુ 5 જુલાઈએ અને ચોથું ગ્રહણ 30 નવેમ્બરે થશે. 2020 પહેલાં છેલ્લાં 10 વર્ષમાં 28 નવેમ્બર 2012, 25 માર્ચ 2013, 18 ઓક્ટોબર 2013, 23 માર્ચ 2016, 16 સપ્ટેમ્બર 2016 અને 11 ફેબ્રુઆરી, 2017એ આવું ચંદ્રગ્રહણ થઇ ગયું છે. 2020 પછી 5 મે 2023એ ફરીથી આવું જ ગ્રહણ થશે.

ગુરુ પૂર્ણિમાએ શુભ કામ કરોઃ-
અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ પૂજન કરવાની પરંપરા છે. આ દિવસે પોતાના ગુરુને પોતાના સામર્થ્ય પ્રમાણે ભેટ આપો અને તેમના આશીર્વાદ લો. પોતાના ઇષ્ટદેવની વિશેષ પૂજા કરો. દરેક મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા પણ કરવી જોઇએ. તમે ઇચ્છો તો આ શુભ કામ પણ કરી શકો છો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે.

મહર્ષિ વેદ વ્યાસની જયંતીઃ-
પ્રાચીન સમયમાં અષાઢ મહિનાની પૂર્ણિમાએ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસે જ ગાંધારીને સો પુત્ર થવાના આશીર્વાદ આપ્યાં હતાં. આ પૂર્ણિમા પછી હિન્દી કેલેન્ડર પ્રમાણે 6 જુલાઈથી શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઇ જશે.