હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આઈ કયું એ સી વિભાગ અને કેશ કમિટી દ્વારા શિક્ષકદિન નિમિતે એક દિવસીય સેમિનારનું આયોજન થયું હતું. “ધાર્મિક સર્વસમાવેશકતાનું નિર્માણ” વિષય પર ગાયત્રી પરિવાર, મહેસાણાના સરવાનંદ જોશી દ્વારા ગુરુ-શિષ્ય પરંપરા ઉપર માર્ગદર્શન અપાયું. તો પાટણ બ્રહ્માકુમારીના પૂજ્ય નિલમદીદી દ્વારા વિધ્યાર્થી કાળમાં શિસ્તની સાથે ધ્યાન કેટલું અગત્યનું પરિબળ છે તે સમજાવવામાં આવ્યું અને કેથલિક ચર્ચ પાટણના ફાધર ડોમિનિક દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને પશ્ચિમી શિક્ષણ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરા રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઇ દ્વારા પણ આજના દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું. કેશ કમિટીના અધ્યક્ષ પ્રો. સંગીતા શર્મા, લો વિભાગના અધ્યક્ષ ડો સ્મિતાબેન વ્યાસ સહિત વિવિધ વિભાગના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ દ્વારા લખાયેલ અનુભવોને સન્માનિત કરાયા હતા. ખાસ કરીને સંશોધન ક્ષેત્રે વિશેષ કામ કરવા બદલ યુનિવર્સિટીના અધ્યાપકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેશ કમિટી દ્વારા વુમન ઓફ વર્થ એવોર્ડ આપી મહિલા સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણા ગાયત્રી પરિવારથી આવેલા સરવાનંદ જોશીએ જણાવ્યું હતું કે ગુરુ- શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ગુરુ એ જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવાનું કામ કરે છે. ગુરુનો અર્થ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુ- એટલે અંધકાર અને રૂ- એટલે પ્રકાશ તેમણે કાલિદાસ, આરુશી-ઉદ્દનક તેમજ ગુરુ દ્રોણ- એકલવ્યના દ્રષ્ટાંતો સાથે વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.