સરકાર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ પણ એવા ગામડા છે. જ્યાં લોકોને પાકા રસ્તા મળ્યા નથી. આજે પણ લોકો રસ્તા વગર પરેશાન છે. વાત છે બાયડના પેન્ટરપુરાની. જ્યાં એક ફળિયામાં 200 મીટરનો રસ્તો બનાવવા ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્રના બહેરા કાને આ રજૂઆત ધ્યાનમાં લેવાતી નથી. ગત માર્ચ માસમાં આજ રસ્તાની સમસ્યા માટે ગ્રામજનોએ હિજરત કરવી પડી હતી.
જે તે સમયે વહીવટી અધિકરીઓ દ્વારા ગ્રામજનો સાથે સમજાવટ કરીને રસ્તો કરી આપવા વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આ ગ્રામજનોને પાકો રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી. એક તરફ આજ પરિવારમાં આગામી 29 મેના રોજ લગ્ન પ્રસંગ છે અને આ લગ્નમાં વરઘોડો, જાન, મામેરું, અને મહેમાન ક્યાંથી બોલાવવા એ એક પ્રશ્ન છે. ત્યારે આજે આ પરિવારના લોકો નાના બાળકો સાથે બાયડ પ્રાંત કચેરી આગળ ધરણાં પર બેઠા છે અને લગ્ન પહેલા 200 મીટરનો રસ્તો બને એવી માગ કરી રહ્યા છે.