અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. આ વિદાય સમારોહમાં 2 હજારથી વધારે વિદ્યાર્થીઓને અંતિમ વર્ષના અભ્યાસ બાદ વિદાય આપવામાં આવી. જે માટે કોલેજ દ્વારા ખાસ ફેરવેલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના કોલેજકાળ દરમિયાન અનુભવેલ પ્રસંગોને ભારે હ્રદય સાથે વર્ણવ્યા. અમદાવાદના ગોતા વિસ્તાર સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે યોજાયેલ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના વિદાય સમારોહ કાર્યક્રમમાં અલગ-અલગ બ્રાન્ચમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી. સામાન્ય રીતે જ્યારે કોઈપણ વિદ્યાર્થી ધોરણ-12 પછી કોલેજકાળમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેશે ત્યારે તેની કારકિર્દીનો મહત્વનો વળાંક હોય છે પરંતુ, જ્યારે તે કોલેજમાંથી અભ્યાસ કરી બહાર નીકળે છે, તે પણ તેનો મહત્વનો પડાવ માનવામાં આવે છે.
બસ આ જ પડાવમાંથી યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ પસાર થયા. જે વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં જ્યારે પ્રવેશ લીધો ત્યારે તેમના માટે કોલેજ લાઈફનો અનુભવ નવો, નવી જગ્યા, નવા મિત્રો અને શિક્ષકોની જગ્યાએ હતા અધ્યાપકો ! સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વર્ષ 2020ની બેન્ચમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓએ 3 વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કર્યો. વિદાય સમારોહમાં અલગ-અલગ બ્રાન્ચના ટોપર વિદ્યાર્થીઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલ વિદ્યાર્થીઓએ કોલેજકાળ દરમિયાન પોતાના અનુભવો વાગોળ્યા. જેમાં આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજકાળની જૂની યાદો વાગોળતા આંખો ભારે થઈ ચૂકી હતી ! વિદાય લઇ રહેલ આ વિદ્યાર્થીઓનો બસ એક જ ભાવ હતો કે, તેઓ ભલે કોલેજમાંથી વિદાય લઇ રહ્યા હોય પરંતુ, દિલ-દિમાગથી તેઓ જ્યાં હશે ત્યાંથી કોલેજ સાથે જોડાયેલા રહેશે! જ્યારે-જ્યારે કોલેજને જરૂર પડશે ત્યારે તેઓની હાજરી અચૂક હશે કારણ કે, કોલેજ અને કોલેજના અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય મળેલ મૂલ્યોનું જ્ઞાન એ તહેવારો અને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.