આપણે જોઇએ છીએ અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે. ક્યારેક ઓવર સ્પીડના ચક્કરમાં તો ક્યારેક ઓવરટેકને કારણે અકસ્માત થતા હોય છે. વળી તેમાં પણ ગરમીને વાહનોમાં આગ લાગવાના બનાવો પણ વધારે બની રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું.
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં સોમવારે અકસ્માતની ઘટના બની.. જેમાં સેનાના બે જવાનો અને અન્ય ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. જિલ્લાના પીલુખેડીમાં NH 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સેનાની ટ્રકનું ટાયર ફાટ્યું અને પેસેન્જર બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ હોવાનું પણ કહેવાય છે.
મળતી માહિતી અનુસાર બસ ભોપાલ જઇ રહી હતી તે દરમિયાન નેશનલ હાઇવે 46 પર ઓસવાલ ફેક્ટરીની સામે આર્મીની ટ્રકનું ટાયર ફાટ્યુ. ટ્રકે બેલેન્સ ગુમાવતા તે બસ સાથે ટકરાઇ હતી.આ અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરો અને સેનાના બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ સેનાના ઘણા અધિકારીઓ અને પોલીસ હાજર થઇ ગઇ હતી.