ભાવનગરના માઢિયા ગામ નજીક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા આગ ભભૂકી, ત્રણ યુવાનો ભડથું, એકનો બચાવ

0
5

ભાવનગરના માઢિયા ગામ નજીક એક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા ટ્રેક્ટરમાં સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનો ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. ટ્રેક્ટરે પલ્ટી માર્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠતા લાગેલી આગમાં દબાઈ ગયેલા 3 યુવાનો ભડથું થઈ ગયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ એસ.પી. સાથે વાત કરી તમામ સહાય ઝડપભેર કરવા રજૂઆત કરી હતી અને આ બનાવના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડભીડથી ચાર યુવાન પોતાના ગામ સવાઇનગર પરત ફરી રહ્યા હતા

ભાવનગર નજીક મોડી રાત્રીના એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભડભીડ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી મુકી અને ટ્રેક્ટર પર પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહેલા 4 લોકોને માઢિયા નજીક એક અકસ્માત નડ્યો હતો.જેમાં કોઈ કારણોસર આ ટ્રેક્ટર માઢિયા નજીક પલ્ટી મારી જતા નજીકના ખાડામાં પડ્યું હતું. જેમાં ટ્રેક્ટર પર સવાર 4 લોકો પૈકી 3 લોકો ટ્રેક્ટરની નીચે દબાઈ ગયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડ્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. અને જેમાં ટ્રેક્ટર નીચે દબાયેલા ભરત મકવાણા (ઉ.વ.34), તેજાભાઇ પ્રાગજીભાઈ વાઘેલા (ઉ.વ.40) અને જીગ્નેશ દુદાભાઇ બારૈયા આગમાં ભડથું થઈ ગયા હતા .જ્યારે મહેશ જેન્તીભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો હતો. 

ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવે તે પહેલા ત્રણ યુવાનો ભડથું થઇ ચૂક્યા હતા

આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેક્ટર પલ્ટી માર્યા બાદ ટ્રેક્ટરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ ભાવનગર ફાયરને થતા ફાયર ફાઇટર પણ ત્યાં દોડી ગયું અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આગ આ ત્રણેય યુવાનોને ભડથું કરી ચૂકી હતી. આ બનાવના પગલે આજુબાજુના ગામના લોકો અને સવાઈનગર સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા જ્યારે એસપી, ડીવાયએસપી પણ ત્યાં પહોંચી આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.