ગાંધીનગર : ચિલોડા નજીક ગિયોડ ખાતે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : 2 યુવકોના મોત

0
22

ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીક ગિયોડ ખાતે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના મોત થયા છે. બેફામ કાર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારી હતી. દુર્ઘટનામાં દહેગામ તાલુકાના પાટનાકુવા ગામના રહેવાસી બન્ને યુવકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીઘા હતા. આ મામલે ચિલાડો પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.

ઘટનાની વિગત મુજબ, દહેગામ તાલુકાના પાટનાકુવા ગામમાં રહેતા જુગાજી મગનજી પરમાર અને કલાજી બળદેવજી સોલંકી બાઇક સવાર ગાંધીનગરથી પરત પોતાન ગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચિલોડા નજીક ગિયોડ અંબાજી મંદિર પાસે બેફામ આવી રહેલી મર્સિડીઝ કારે પાછળથી ટક્કર મારી હતી. બાઇક સવાર બન્ને મિત્રો જમીન પર પટકાયા હતા. જેમાં ઘટનાસ્થળે જુગાજી પરમારનું નિધન થયું હતું જ્યારે કલાજી બળદેવજી પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ગાડી અને બાઇકના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ પોલીસને જાણ કરતા ચિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ફરાર મર્સિડીઝ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનના પીઆઇ પટ્ટણીના જણાવ્યા મુજબ, આરોપી જીલેશ તોલિયાની મંગરવાર સવારે અટકાયત કરી હતી. આરોપી મૂળ અમદાવાદના બોપલ વિસ્તારનો નિવાસી છે. પોલીસને આશંકા છે કે આરોપી મર્સિડીઝ ચાલક દારૂ પી ગાડી ચલાવી રહ્યો હતો. જો કે હાલ પોલીસે આરોપીનો બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યો છે. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અકસ્માતમાં બન્ને યુવકોના મોત બાદ ગામમાં માતમ છવાયો છે. મિત્ર વર્તુળ સહિત કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર ચોધાર આસું રેલાવી વિલાપ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here