વડોદરા – સયાજી હોસ્પિટલમાં 4 દિવસથી દાખલ મહિલાને સારવાર ન અપાતી હોવાનો પરિવારનો આક્ષેપ, કહ્યું: દર્દી મરી જશે તો તબીબો જવાબદાર હશે

0
3

  • પરિવારજનો કહે છે કે, મહિલાને શ્વેત કણો ઓછા છે, તેટલો જ તબીબો જવાબ આપે છે, તબિયત બગડી રહી છે

સીએન 24,ગુજરાત

વડોદરા. સયાજી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી ન હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, 4 દિવસથી દર્દીને કોઇ સારવાર આપવામાં આવી નથી. જો અમારો દર્દી મરી જશે તો તે માટે એક માત્ર જવાબદાર સયાજી હોસ્પિટલના તબીબો હશે.

નવજાત બાળકના મોત બાદ સગર્ભા મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી
વડોદરાના યુમના મિલ રોડ ઉપર આવેલા મહાનગરમાં ઉર્મિલાબહેન પ્રહલાદભાઇ રહે છે. તેમના પતિ છૂટક મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે માસ પહેલાં ઉર્મિલાબહેને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકનું મોત નિપજ્યું હતું. બાળકના મોત બાદ માતા ઉર્મિલાબહેનની તબિયત ખરાબ થતાં તેઓને પરિવારજનો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં દિવસે દિવસે મહિલાની તબિયત બગડી રહી છે
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 4 દિવસથી ઉર્મિલાબહેનને સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના ત્રીજા માળે સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ, હોસ્પિટલના તબીબો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. તબીબો દ્વારા રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે. રિપોર્ટ જોઇને તબીબો કહે છે કે તેઓના શરીરમાં શ્વેત કણો ઓછા છે. એટલો જ જવાબ આપે છે. પરંતુ, કોઇ સારવાર આપતા નથી. દિવસે દિવસે તેઓની તબિયત બગડી રહી છે. જો દર્દીનું મોત નીપજશે તો તે માટે હોસ્પિટલના તબીબો જ જવાબદાર હશે.

સામાજિક કાર્યકરે રજૂઆત કરતા તબીબો ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું
છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારે તબીબો તેઓની રજૂઆત સાંભળતા ન હોવાથી આ અંગેની જાણ જય શ્રીરામ ગૃપના રાજુભાઇ અગ્રવાલને કરી હતી. તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. અને દર્દીની મુલાકાત લીધી હતી. અને દર્દીના પરિવારની રજૂઆત સાંભળી ફરજ પરના તબીબોને મહિલા દર્દીને સારવાર આપવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, તબીબોએ તેઓની સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. રાજુભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, દર્દીને કંઇ પણ થશે તો તેની જવાબદારી હોસ્પિટલની રહેશે.

બે દિવસ પહેલા સયાજી અને ગોત્રી હોસ્પિટલની નિષ્કાળજીના કારણે દર્દીના મોતના આક્ષેપ થયા હતા
નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની નિષ્કાળજીના કારણે મુકેશભાઇ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ થયા હતા. સયાજી હોસ્પિટલના તબીબોએ દર્દી મુકેશભાઇ રાણાને ગોત્રીમાં રિફર કર્યાં હતા. ગોત્રી હોસ્પિટલ દ્વારા જગ્યા ન હોવાનું જણાવી દર્દી મુકેશભાઇને પરત સયાજી હોસ્પિટલમાં જવા કહ્યું હતું. બંને હોસ્પિટલના આંટાફેરામાં દર્દીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી હતી. અને આ અંગેની તપાસ હાલ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here