વડોદરા : સાવલીના નરપુરા ગામમાં મહિલાને ઝેરી સાપ કરડ્યો, કાળોતરા સાપને બોટલમાં ભરીને પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા

0
56

ચોમાસાની શરૂઆત સાથે સરીસૃપ નીકળવાની શરૂઆત થઇ જાય છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નરપુરા ગામમાં એક મહિલાને ઝેરી સાપે ડંખ માર્યો હતો. તુરંત જ પરિવારજનો ભુવા પાસે લઇ ગયા હતા, પરંતુ, ભૂવાએ હાથ અદ્ધર કરી દેતા પરિવારજનો મહિલાને ગોત્રી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. આ સાથે પરિવારજનો મહિલાને ડંખ મારનાર સાપને પણ પ્લાસ્ટીકની બોટલમાં હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.

પરિવારજનોએ સાપને પ્લાસ્ટિકની બોટલમાં પૂરી દીધો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નરપુરા ગામમાં રહેતા લક્ષ્મીબહેન મણીભાઇ પરમારને 17 ઓગસ્ટના રોજ બપોરના સમયે અત્યંત ઝેરી મનાતા કાળોતરા(કોમન ક્રાઇટ સ્નેક) સાપે ડંખ માર્યો હતો. સાપે ડંખ મારતા જ લક્ષ્મીબહેને બુમરાણ મચાવતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ડંખ મારીને ભાગી રહેલા સાપ ઉપર લાકડીઓથી પ્રહાર કરી અધમુવો કરી દીધો હતો. અને સાપને પ્લાસ્ટિકની બોટલમાં પૂરી દીધો હતો. ત્યારબાદ મહિલાને અને બોટલમાં પુરેલા સાપને ગામના ભૂવા પાસે લઇ ગયા હતા. પરંતુ, ભૂવાએ સાપ અને મહિલાની હાલત જોતા હાથ અદ્ધર કરી દીધા હતા અને પરિવારજનોને હોસ્પિટલમાં લઇ જવા જણાવ્યું હતું.

હોસ્પિટલમાં લઇ જવાયેલો કાળોતરો સાપ
(હોસ્પિટલમાં લઇ જવાયેલો કાળોતરો સાપ)

 

હોસ્પિટલનો સ્ટાફ સાપને જોવા માટે ટોળે વળ્યો

દરમિયાન પરિવારજનો તુરંત જ આંકલાવ હોસ્પિટલ ખાતે મહિલાને લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોને લક્ષ્મીબહેનને કયો સાપ કરડ્યો છે, તે બતાવવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મુકેલો સાપ પણ સાથે લઇ આવ્યા હતા. હોસ્પિટલમાં સાપ લઇને પરિવારજનો આવતા હોસ્પિટલ સ્ટાફ પણ સાપને જોવા માટે ટોળે વળી ગયા હતા. બીજી બાજુ તબીબી ટીમે મહિલાની સારવાર શરૂ કરી હતી.

મહિલાના પગે સાપે ડંખ માર્યો
(મહિલાના પગે સાપે ડંખ માર્યો)

 

વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે હોસ્પિટલમાં પહોંચીને સાપને રેસ્ક્યૂ કર્યો

હોસ્પિટલમાં લાવવામાં આવેલા સાપને લઇ જવા માટે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા અરવિંદ પવાર તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા. અને સાપને રેસ્ક્યૂ કરીને લઇ ગયા હતા. અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, આ કાળોતરો(કોમન ક્રેટ સ્નેક) સાપ ત્રીજા નંબરનો સાપ કહેવાય છે. આવા સાપ ગોત્રી, વાઘોડિયા, મકરપુરા, સમા, ગોરવા, સમા, વિશ્વામિત્રી વિસ્તારમાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here