નેશનલ હાઇવે નં.૪૮ લાલી ચિરીપલ કંપનીના ગેટ આગળ રોડ ક્રોસ કરતા શ્રમિકનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું હતું. જ્યારે રતનપુર પાટિયા નજીક રોડ ક્રોસ કરતી મા અને દીકરીને મોટરસાયકલે અડફેટે લેતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નેશનલ હાઇવે નંબર ૪૮ લાલી ગામની સીમ નજીક ચિરીપાલ કંપની આવેલી છે. આ કંપનીમાં નોકરી કરતા બલવીરસિંહ બચ્ચનસિંહ કોઈ કામ અર્થે ખેડા ગયો હતો. આ શ્રમિક ખેડાથી રિક્ષામાં કંપનીના ગેટ આગળ ઉતરી રોડ ક્રોસ કરતો હતો. દરમિયાન ખેડા તરફથી પુરઝડપે આવેલો અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી બલવીરસિંહ બચ્ચનસિંહને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેની જાણ થતાં કંપનીના માણસોએ ૧૦૮ મારફતે બલવીરસિંહને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અમરજીત વિરેન્દ્રસિંહએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બીજા બનાવમાં ખેડા તાલુકાના રસીકપુરામાં રહેતા ચંપાબેન રાજેશભાઈ સોઢા પરમાર પોતાના સંતાનોને લઈ સંધાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત જવા રતનપુર પાટિયાથી આતરોલી જવા રોડ ક્રોસ કરતા હતા. ત્યારે રધવાનજ તરફથી પુર ઝડપે આવેલી બાઈકના ચાલકે અડફેટે લેતા ચંપાબેન રાજેશભાઈ, તેમની દીકરી નિયતિ તથા દેવરાજ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ચંપાબેન તેમજ તેમની દીકરી નિયતિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચંપાબેન રાજેશભાઈ સોઢા પરમારની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.