વડોદરા : અપડેટ : ચારની ધરપકડ : કિશનવાડી વિસ્તારમાં જૂની અદાવતમાં પિતા-પુત્ર સહિત 4 લોકોએ હુમલો કરતા યુવાનનું મોત

0
1

વડોદરા શહેરના કિશનવાડી વુડાના મકાનમાં ગુરૂવારે મોડી રાત્રે એક જ જ્ઞાતિના બે પરિવારના વ્યક્તિઓ વચ્ચે ક્રિકેટ રમવા બાબતની જૂની અદાવતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા-પુત્ર સહિત 4 લોકોએ યુવાન ઉપર તલવાર, ચાકુ અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં હુમલાખોર જૂથના એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. પોલીસે ચારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચાકુ, તલવાર અને લાકડીઓથી જીવલેણ હુમલો કરીને હુમલાખોરો ફરાર

બાપોદ પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે કિશનવાડી વિસ્તારમાં પીળા વુડાના મકાન આવેલા છે. બ્લોક નંબર-26 અને મકાન નંબર-13માં રાજુભાઇ હિરાભાઇ મારવાડી પરિવાર સાથે રહે છે. ગુરૂવારે મોડી રાત્રે રાજુભાઇ મારવાડી બીડી લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વુડાના જ મકાનમાં રહેતા અને નીચે બેઠેલા નટવર સોમાભાઇ મારવાડી, સંજય નટવરભાઇ મારવાડી, ઇશ્વર સોમાભાઇ મારવાડી અને સોમાભાઇ કાંતિભાઇ મારવાડીએ બીડી લઇને ઘર તરફ આવી રહેલા રાજુ મારવાડનીને રોક્યો હતો. અને તેના ઉપર ચાકુ, તલવાર અને લાકડીઓથી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

યુવાનને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો

પિતા, બે પુત્રો અને કાકા દ્વારા રાજુભાઇ મારવાડીને માથા, છાતીમાં તલવાર અને ચાકૂના ઘા વાગતા અને લાકડીઓના ફટકા મારતા રાજુભાઇ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડ્યા હતા. રાજુભાઇ ઉપર જીવલેણ હુમલો થતાં તુરંત જ તેમની પત્ની સોનીબહેન તેમજ અન્ય પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને લોહીના ખાબોચીયામાં પડેલા રાજુભાઇને તુરંત જ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે પીળા વુડાના મકાનમાં સન્નાટો છવાઇ ગયો હતો.

6-7 મહિના પહેલા ક્રિકેટ રમતા છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો

આ બનાવમાં મોતને ભેટેલા રાજુભાઇ મારવાડીના મોટાભાઇ મણીલાલ મારવાડી(રહે. પીળા વુડાના મકાનમાં) એ જણાવ્યું હતું કે, છ-સાત માસ પૂર્વે રાજુભાઇ મારવાડી અને સોમાભાઇ મારવાડીના પરિવાર વચ્ચે ક્રિકેટ રમતા છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે સોમાભાઇ મારવાડી સહિત તેમના પરિવારે રાજુભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને ગઇ કાલ ગુરૂવારે રાત્રે મોકો મળતા સોમાભાઇ કાંતિભાઇ મારવાડી તેમના પુત્રો નટવર મારવાડી, ઇશ્વર મારવાડી તેમજ પ્રપૌણત્ર સંજય નટવર મારવાડીએ તલવાર, ચાકૂ અને લાકડીઓથી હુમલો કરી મારા નાના ભાઇ રાજુને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.

પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારની ધરપકડ કરી
પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારની ધરપકડ કરી

 

પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારની ધરપકડ કરી

આ બનાવ અંગે રાજુભાઇ મારવાડીની પત્ની સોનીબહેન મારવાડીએ બાપોદ પોલીસ મથકમાં સોમાભાઇ કાંતિભાઇ મારવાડી, નટવર સોમાભાઇ મારવાડી, ઇશ્વર સોમાભાઇ મારવાડી અને સંજય નટવરભાઇ મારવાડી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે આજે પણ પીળા વુડાના મકાનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here