સુરેન્દ્રનગર દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે અંગે સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં.
વઢવાણ દૂધની ડેરી પાછળ રહેતા સંજયભાઇ પનારાને આજ વિસ્તારમાં રહેતા ભાવિન સોમાભાઇ કોળી નામના શખ્સ સાથે રૂપિયા 50 હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો જે બાબતનું મનદુખ રાખી ભાવિન, રવિ ઉર્ફે ટકો અને રાહુલ ઉર્ફે ભાણાએ રાતના સમયે મફતીયાપરા નજીક સંજયને છરીના ઘા માર્યા હતા.જે બાબતે સંજયના પરિવારજનો ભરતભાઇ પનારા, વિનોદભાઇ પનારા,વિપુલભાઇ, કમલેશભાઇ પનારા સહીતનાઆે આરોપી ભાવિનના ઘરે સમજાવવા માટે ગયા હતાં.
પરંતુ સમજાવટ કે સમાધાન અંગે કોઇ વાતચીત થાય તે પહેલા જ ભાવિન સોમાભાઇ, રવિ ઉર્ફે ટકો, રાહુલ ઉર્ફે ભાણો, દશરથભાઇ સોમાભાઇ, મરઘાબેન સોમાભાઇ પ્રવિણભાઇ સોમાભાઇના પત્નિ સહિતનાઆે ધોકા, છરી સહીતના હથિયારો વડે સંજયના પરિવારજનો પર તુટી પડ્યા હતાં.જેમાં કમલેશભાઇ પનારાને ગંભીર ઇજાઓ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. તેમજ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ બન્યા હતાં. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે મોકલી હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.માત્ર રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે યુવકનું ઢીમ ઢાળી દેતા મૃતકના ત્રણ બાળકો અને પત્નિ સહિતનો પરિવાર નોંધારો બન્યો છે. જ્યારે પોલીસે આરોપીને પકડવા પણ ચક્રો ગતીમાન કર્યા છે.