તક : હવે અમૂલ કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં મૂડીરોકાણ કરશે

0
14

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ડેરી ક્ષેત્રમાં વિકાસની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ કાર્યમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) સરકારને સંપૂર્ણ સહકાર આપશે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડના નામે દેશભરમાં દૂધનો સપ્લાય કરે છે.

તાજેતરમાં જ જીસીએમએમએફના અધિકારીઓએ કાશ્મીરના રાજ્યપાલની મુલાકાત કરી હતી. કાશ્મીરમાં કલમ-૩૭૦ની જોગવાઇ હટ્યા બાદ ડેરી ઉદ્યોગમાં એક આશાનું નવું કિરણ ઊભું થયું છે. અમૂલે કાશ્મીરના ડેરી સેક્ટરમાં ટેક્નિકલસપોર્ટ સાથે મેનેજમેન્ટ અને દૂધ ખરીદી સિસ્ટમને ડેવલપ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કાશ્મીરમાં ધારા-370 હટી ગયા પછી જીસીએમએમએફની મદદથી અહીં ડેરી ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થશે. ઉલ્લેખનીય છે કે 5 જૂલાઇના રોજ રજૂ કરવામાં આવેલા કેન્દ્ર સરકારના બજેટમાં કૃષિ ક્ષેત્રમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી.

સ્થાનિક સરકારની મદદ નહીં મળવાના કારણે જમ્મૂ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થઇ શક્યો નહોતો. હાલમાં અત્યારે અહીં માત્ર બે પ્રોસેસિંગ યૂનિટ કામ કરી રહ્યાં છે.કાશ્મીરમાં મહિલાઓ સેલ્ફ ગ્રુપના માધ્યમથી ડેરી ક્ષેત્રમાં કામ કરી રહી છે. હાલમાં જમ્મૂ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં દૂધના વેચાણ માટે ઘણું મોટું માર્કેટ છે.

આ ઉપરાંત એશિયાની સૌથી મોટી હેલ્મેટ કંપની સ્ટીલબર્ડ હાઇટેકે પણ જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટરી ઊભી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સ્ટીલબર્ડે કલમ-૩૭૦ હટાવવાના પગલાને આવકાર આપીને જણાવ્યું હતું કે અમે ઓક્ટોબરમાં યોજાનારા રોકાણકાર સંમેલનમાં ત્યાં ફેક્ટરી ઊભી કરવાની યોજના રજૂ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here