AAP સરકાર : કેજરીવાલનો સવાલ; આ દેશમાં જો સ્માર્ટફોન, પિઝાની હોમ ડિલિવરી થઈ શકે છે તો રાશનની કેમ નહીં

0
5

કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી સરકારની ‘ઘરે-ઘરે રાશન યોજના’ પર પ્રતિબંધ લગાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે આ યોજનાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, તો પછી તમે બે દિવસ પહેલા કેમ તેને રોકી દીધી? કેજરીવાલે કહ્યું કે તમે આમ કહીને અમારી યોજના નામંજૂર કરી કે અમે કેન્દ્રની મંજૂરી લીધી નથી. પરંતુ અમે આ યોજના માટે 5 વખત કેન્દ્રની મંજૂરી લીધી હતી.

કેજરીવાલની ઘરે-ઘરે રાશન યોજના અટકાવાઇ
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, આગામી સપ્તાહથી ઘરે-ઘરે રાશન યોજના શરૂ થવાની હતી. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, પરંતુ કેન્દ્રએ અચાનક બે દિવસ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો? વડાપ્રધાનજી આજે હું ખુબ જ વ્યથિત છું. જો આજે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. વડાપ્રધાનજી, રાજ્ય સરકાર આ યોજના માટે સક્ષમ છે. અને અમે કેન્દ્ર સાથે કોઈ વિવાદ ઈચ્છતા નથી. અમે તેનું નામ મુખ્યમંત્રી ઘરે-ઘરે રાશન યોજના રાખ્યું હતું. તે પછી તમે કહ્યું હતું કે યોજનામાં મુખ્યમંત્રીના નામનો સમાવેશ કરી શકાશે નહીં. અમે તમારી વાત માનીને નામ દૂર કરી નાખ્યું. ત્યારે હવે તમે અમારી યોજનાને એમ કહીને નકારી દીધી છે કે અમે કેન્દ્રની પરવાનગી લીધી નથી. અમે આ યોજના માટે 5 વખત કેન્દ્ર સરકારની મંજૂરી લીધી છે.

પિઝા-બર્ગરની હોમ ડિલિવરી થઈ શકે તો રાશનની કેમ નહીં?
કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતું કે ‘આ દેશમાં જો સ્માર્ટફોન, પિઝાની હોમ ડિલિવરી થઈ શકે છે તો રાશનની કેમ નહીં? શું તમને રાશન માફિયા પ્રત્યે સહાનુભૂતિ છે, વડાપ્રધાન સર? તે ગરીબ લોકોની વાત કોણ સાંભળશે? કોર્ટમાં અમારી યોજના સામે કેન્દ્રને જો કોઈ વાંધો નથી તો હવે કેમ તેને નકારી કાઢવામાં આવી રહી છે? ઘણા ગરીબ લોકોએ નોકરી ગુમાવી છે. લોકો બહાર જવા માંગતા નથી, તેથી અમે ઘરે-ઘરે રાશન મોકલવા માંગીએ છીએ. “

આ રાશન કેન્દ્રનું છે, તેથી દિલ્હી શા માટે ક્રેડિટ લેશે?
કેજરીવાલે કહ્યું, “કેન્દ્ર સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે આ રાશન કેન્દ્રનું છે, તેથી દિલ્હી શા માટે ક્રેડિટ લેશે? હું ક્રેડિટ નથી લઈ રહ્યો, કૃપા કરીને યોજનાને લાગુ કરો. હું દુનિયાને કહીશ કે મોદીજીએ આ યોજના અમલમાં મૂકી છે. આ રાશન ન તો આમ આદમી પાર્ટીનું છે ન તો ભાજપનું. આ રાશન દેશના લોકોનું છે. અને આ રાશનની ચોરી અટકાવવાની જવાબદારી આપણા બંનેની છે.”

કેજરીવાલે કહ્યું- તમે બધા સાથે કેમ લડી રહ્યા છો?
કેજરીવાલે કહ્યું, “આ સમયે દેશ ખૂબ જ ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય છે એક બીજાનો હાથ પકડીને મદદ કરવાનો. એકબીજા સાથે લડવાનો આ સમય નથી. લોકોને લાગવા માંડ્યું છે કે આવી મુશ્કેલી સમયે પણ કેન્દ્ર સરકાર સૌથી વધુ લડી રહી છે. તમે મમતા દીદી સાથે લડી રહ્યા છો. ઝારખંડ સરકાર સાથે ઝગડી રહ્યા છો. તમે લક્ષદ્વીપના લોકો સાથે મહારાષ્ટ્ર સરકાર સાથે લડી રહ્યા છો. દિલ્હીની જનતા સાથે લડી રહ્યા છો. ખેડૂતો સાથે લડી રહ્યા છો. લોકો આ વાતથી ખૂબ જ દુખી છે. આમ દેશ કેવી રીતે ચાલશે? તમે બધા સાથે કેમ લડી રહ્યા છો? અમે બધા તમારા છીએ. આપણે બધા ભારતીય છીએ.આવી સ્થિતિમાં, જો આપણે બધા એકબીજાની વચ્ચે જ લડીશું, તો આપણે કોરોના સામે કેવી રીતે જીતી શકીશું? ચાલો આપણે એકબીજા સાથે લડવું જોઈએ નહીં. આપણે બધાએ સાથે મળીને કોરોના સામે લડવાનું છે. “

કેજરીવાલે કહ્યું- આ યોજનાને અટકાવવામાં ન આવે, આ રાષ્ટ્રના હિતમાં
કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે કાલે તમામ લોકો એ હેડલાઇન વાંચવા માંગે છે કે મોદીજી દિલ્હી સરકારની સાથે મળીને ગરીબોને ઘરે-ઘરે રાશન પહોંચાડયું. લોકો ટીવી પર તે બ્રેકિંગ જોવા માંગે છે કે મોદીજી અને કેજરીવાલ સાથે મળીને દિલ્હીમાં લોકોના ઘરે-ઘરે રાશન પહોંચાડયું. તેમણે કહ્યું કે આ યોજનાને અટકાવવામાં ન આવે, આ રાષ્ટ્રના હિતમાં છે.

ભાજપે કહ્યું- તમે કાયદાની ઉપર નહીં
ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ ટ્વીટ કરીને કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, તમારે સરકારને સમજવી પડશે કે તે બંધારણ અને કાયદા પ્રમાણે જ ચાલશે. NFSA એક્ટની કલમ 12 (2) જણાવે છે કે કોઈપણ નવી યોજના શરૂ કરવા માટે કેન્દ્રની મંજૂરી જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “તમે કાયદા અનુસાર કેન્દ્રની પરવાનગી કેમ નથી લઈ રહ્યા? કેજરીવાલ જી, તમે કાયદાથી ઉપર નથી બન્યા. ઉલટું, કેન્દ્ર તમને સંપૂર્ણ મદદ કરવા માટે તૈયાર છે અને વધુ રાશન આપવા માટે પણ તૈયાર છે. રાશન માફિયાઓને સમાપ્ત કરવામાં તમને 7 વર્ષ થયા. રાજકારણ ન કરો કેજરીવાલ કાયદા પ્રમાણે કામ કરો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here