ભુજઃ કેડીસીસી બેન્કમાંથી અબડાસાના ડુમરા સેવા સહકારી મંડળીના 621 સભાસદોના નામે 5 કરોડ 61 લાખની લોન ઉચાપત કરવાના કૌભાન્ડમાં ગુરૂવારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જયંતી જેઠાલાલ ઠક્કરની ધરપકડ કરી છે.
ગત 29 મે 2019નાં સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન, ભુજ ખાતે કેડીસીસી બેન્ક દ્રારા ડુમરા સેવા સહકારી મંડળીના પ્રમુખ જયંતી ઠક્કર, મંત્રી કનુભા મમુભા જાડેજા (રહે. નારણપર), કમિટિ સભ્ય કરમશી દેસર, છગનલાલ મેઘજી શાહ (રહે. ડુમરા), કોઠારા બ્રાન્ચના તત્કાલિન મેનેજર સંજય ત્રિપાઠી (રહે. નલિયા) અને તેમના મળતીયાઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.
કૌભાંડમાં કેટલાંક સભાસદો લોન લેતાં અગાઉ અવસાન પામ્યાં હતા અને ઘણા સભાસદો લોન નહીં લીધેલાનું જણાવે છે. બનાવના સમયગાળા દરમિયાન આરોપી જયંતી ઠક્કર જેતે વખતે કેડીસીસી બેન્કના ડાયરેક્ટર અને ડુમરા સહકારી મંડળીનો પ્રમુખ હતા. મુખ્ય આરોપી જયંતી ઠકકરની ટ્રાન્સફર વૉરન્ટના આધારે આ કેસમાં ગુરૂવારે સીઆઇડી ક્રાઇમ દ્રારા વિધિવત્ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયંતી ઠક્કર વિરુધ્ધ મૃત મહિલા સહિતના લોકોના નામે બોગસ લોન મેળવવાની, પૂર્વ ધારાસભ્ય ભાનુશાલીની હત્યા-ષડયંત્ર, ભચાઉ સબજેલમાં દારૂ પીવાની એમ અલગ અલગ ચાર ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે.
જામીન ફગાવાયા
તો બીજી બાજુ અબડાસાના વિંઝાણ ખાતે મૃત મહિલાને જીવીત બતાવી બેંક સાથે કરાયેલી 8.72 લાખની ઠગાઇમાં આરોપી જયંતી ઠક્કરએ ભુજની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. જોકે, કોર્ટે સરકારી વકીલ કે.સી. ગોસ્વામીની દલીલના આધારે આરોપીની જામીન અરજી નકારી હતી.