જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું : દેશમાં લાંબા સમય સુધી PM રહી ચુકેલા 65 વર્ષના આબેએ પદ છોડ્યું, કહ્યું- હું નથી ઈચ્છતો કે ખરાબ સ્વાસ્થ્યની અસર સરકારના કામ પર પડે

0
0

જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પદ છોડવાની જાહેરાત કરી દીધી છે. મારા કાર્યકાળનું એક વર્ષ હજુ બાકી છે અને ઘણા પડકારોને પુરા કરવાના પણ બાકી છે. પરંતુ હું નથી ઈચ્છતો કે મારી ખરાબ તબિયતની અસર સરકારી કામકાજ પર પડે. 65 વર્ષના આબે લાંબા સમયથી પેટ સાથે જોડાયેલી બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેઓ આ મહિને જ બે વખત હોસ્પિટલમાં જઈ આવ્યા છે. તે પછી તેમના આરોગ્યને લઈને જાપાનની મીડિયામાં ચર્ચા થઈ રહી હતી.

શિંજોને આ મહિને જ વડાપ્રધાન તરીકે 7 વર્ષ અને 6 મહીના પુરા થયા છે. આબે 2803 દિવસથી આ પદ પર છે. આ પહેલા આ રેકોર્ડ તેમના કાકા અને દેશના પૂર્વ વડાપ્રધાન ઈસાકુ સૈતોના નામે હતો. શિંજો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(એલડીપી) પાર્ટીના સભ્ય છે.

50 દિવસથી કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી શિંજો આબે
દેશમાં કોરોના મહામારી ફેલાયા પછીથી એવી માંગ થઈ રહી છે કે આબે દેશના લોકોને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલા કામો વિશે જણાવે. જોકે તેમ છતાં તેઓ છેલ્લા 50 દિવસથી કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. 18 જૂને એવી માહિતી આપવામાં આવી હતી કે તેઓ તેમના ઘરે જ મીડિયા સાથે વાતચીત કરશે. જોકે તેઓ આવું કરી શકયા ન હતા. 24 ઓગસ્ટે કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગાએ શિંજોના આરોગ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓને ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે આબે બિલકુલ સાજા છે અને રૂટિન તપાસ માટે હોસ્પિટલમાં આવી રહ્યાં છે.

આંતરડાની બીમારીનો સામનો કરી રહ્યા છે શિંજો
શિંજોને લાંબા સમયથી આંતરડાની બીમારી અલ્સરેટિવ કોલાઈટિસ છે. તેમાં આંતરડામાં સોજો આવી જાય છે. આ બીમારીના પગલે શિંજોએ 2007માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા પછી એક વર્ષમાં જ રાજીનામુ આપવું પડ્યું હતું. હવે તેઓ આ બીમારીની નિયમિત સારવાર કરવીને તેને નિયંત્રણમાં રાખે છે. પહેલા આ બીમારી માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ ન હતી. આ બીમારીમાં યોગ્ય રીતે ખાવાનું ન ખાવું અને તણાવ લેવાથી સ્થિતિ બગડવાની શકયતા રહે છે.

દેશમાં ઘટી રહી છે શિંજોની લોકપ્રિયતાઃ સર્વે
જાપાનની ક્યોદો ન્યુઝ એજન્સીના સર્વે મુજબ, દેશમાં શિંજોની લોકપ્રિયતા પહેલાની સરખામણીએ ઘટી રહી છે. રવિવારે બહાર પડેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 58.4 ટકા લોકો કોરોના મહામારીનો સામનો કરવાની સરકારની રીતથી નાખુશ છે. હાલનું કેબિનેટ એપ્રુવલ રેટિંગ 36 ટકા છે, જે શિંજો 2012માં વડાપ્રધાન બન્યા ત્યાર પછીનું સૌથી ઓછું છે. જોકે દેશમાં મહામારી બીજા દેશોની સરખામણીએ ખૂબ જ કાબુમાં છે. અહીં અત્યાર સુધીમાં 62 હજારથી વધુ સંક્રમિત મળ્યા છે અને 1200 લોકોના મોત થયા છે. જો લોકો સરકાર દ્વારા ફરીથી લાવવામાં આવેલી માસ્ક વહેંચવા જેવી યોજનાઓના પક્ષમાં નથી.c

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here