ટીમ ઈન્ડિયાના યુવાન ઓપનર અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં સદીથી ઈંગ્લેન્ડને હરાવી દીધું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 135 રનની ઈનિંગના દમ પર અભિષેકે ટીમ ઈન્ડિયાને મોટી જીત અપાવવામાં મદદ કરી. અભિષેકની આ ઈનિંગને આગામી ઘણા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. પોતાની આ ઈનિંગમાં અભિષેકે જે રીતે સિક્સરનો વરસાદ કર્યો તેને જોઈને તો ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલેસ્ટર કુકના હોશ ઉડી ગયા અને તેણે કહ્યું કે ‘અભિષેકે 2 કલાકમાં જ મારા સમગ્ર કરિયરથી વધુ સિક્સર મારી દીધી.’
રવિવાર 2 ફેબ્રુઆરીની સાંજે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 150 રનના મોટા અંતરથી હરાવ્યું. આ જીતનો સ્ટાર અભિષેક શર્મા રહ્યો, જેણે માત્ર 37 બોલમાં યાદગાર સદી ફટકારી અને 54 બોલમાં 135 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ સિવાય અભિષેકે બોલિંગથી પણ કમાલ કરી બતાવી અને 2 વિકેટ લઈને ઈંગ્લેન્ડને માત્ર 97 રન પર હરાવવામાં પોતાનું યોગદાન આપ્યુ. જોકે, મહેફિલ તો તેણે પોતાની બેટિંગથી જ લૂંટી.
એલેસ્ટર કુક ચોંકી ગયો
લગભગ 7-8 મહિના પહેલા જ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનાર અભિષેકે બોલર્સ પર એવું નિશાન સાધ્યું કે ઈંગ્લેન્ડનો પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલેસ્ટર કુક ચોંકી ગયો. જેટલી સરળતાથી અભિષેક સિક્સર મારી રહ્યો હતો, તે જોઈને કુક પણ વિશ્વાસ કરી શક્યો નહીં. ભારતીય બેટ્સમેનોએ 54 બોલમાં 135 રનની પોતાની ઈનિંગમાં 13 સિક્સર મારી. અભિષેકની આવી બેટિંગ જોઈને કુકે એક શો માં ચર્ચા દરમિયાન કહ્યું, ‘છેલ્લા 2 કલાકમાં જેટલી સિક્સર અભિષેકે ફટકારી છે, મે પોતાના સમગ્ર જીવનમાં આટલી સિક્સર નથી મારી.’
T20 કરિયરમાં સિક્સર મારી નહીં
કુકે આ વાત મજાકના અંદાજમાં કહી પરંતુ તેની વાતમાં દમ હતો. કુકના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો 4 ટી20 ઈન્ટરનેશનલ મેચના કરિયરમાં તેણે એક પણ સિક્સર મારી નથી. 161 ટેસ્ટમાં 11 અને 92 વનડેમાં માત્ર 10 સિક્સર મારી હતી. અભિષેકે માત્ર આ ઈનિંગમાં 13 અને આ સમગ્ર સીરિઝમાં કુલ 22 સિક્સર મારી. અભિષેકે આ સીરિઝમાં 5 ઈનિંગમાં 44ની સરેરાશથી સૌથી વધુ 279 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 219.68 નો રહ્યો અને તેણે એક સદીની સાથે જ એક અડધીસદી પણ ફટકારી. તેણે 22 સિક્સર સિવાય 24 ચોગ્ગા પણ ફટકાર્યા.