કોસંબા : મહુવેજ ગામ પાસે કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત: કલોલના 2 વ્યક્તિના મોત: અન્ય 2ને ઇજા

0
0

કોસંબા: ગાંધીનગરના કલોલથી સુરત ડેન્ટલ ચેરની ડિલીવરી આપવા જઈ રહેલ ઈકો કારને કોસંબા પાસે મહુવેજ ગામની હદમાં નેશનલ હાઈવે નં 48 ઉપર સ્મીટન ચોકલેટ ફેક્ટરી પાસે અકસ્માત નડયો હતો. ઇકો કારના ચાલકે પોતાના કબજાની ગાડીને પૂરપાટ ઝડપે હંકારી લાવી હાઈવેની ત્રીજી લાઈનમાં ઉભા રહેલ ટ્રેલરની પાછળ ભટકાવી દીધી હતી.

આ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ઈકો કારમાં સવાર બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે અન્ય 2ને ઇજા થઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં મૃત્યું પામનારા બંને લોકોના મૃતદેહ અરેરાટી વ્યાપી જાય તેવા ક્ષતવિક્ષત હાલતમાં થઈ ગયા હતાં. ગાંધીનગર જિલ્લાના કલોલ ગામમાં નરનારાયણ સોસાયટીમાં રહેતા મહેશગીરી કનુગીરી ગૌસ્વામી દાંતના ડોક્ટર માટે ઉપયોગી ડેન્ટલચેર બનાવવાનો વ્યવસાય કરે છે. એઓ શુક્રવારે રાત્રીના 1.30 કલાકના સમયે પોતાના સાથે કામ કરતાં પંકજભાઈ મફતલાલ પટેલ (રહે. વામજ, કડી, જિ. મહેસાણા) તેમજ પંકજભાઈ શંકરભાઈ લેઉવા અને પોતાના ડ્રાઈવર હેમાભાઈ સાથે સુરત જવા માટે ઈકો કાર નં (GJ-18 BG-1265) માં ડેન્ટલ ચેરનો સામાન લઈને સુરત ડિલિવરી આપવા માટે નીકળ્યા હતાં.

એઓ શનિવારે મળસકે 5.30 વાગ્યાના અરસામાં નંદાવ ચોકડી પાસ કરી ને હા નં 48 પર અમદાવાદથી મુંબઈ તરફ જતા સ્મીટન ચોકલેટ ફેક્ટરી પાસે પહોંચ્યા ત્યારે એક લકઝરી બસનો ચાલક પૂરપાટ ઝડપે પોતાની બસ ઈકો કાર તરફ લઈ આવ્યો હતો. આ કારણે ઈકો કારના ચાલક હેમાભાઈએ કાર ના સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા રોડની સાઈડે ઊભા રહેલા એક ટ્રેલરની પાછળ પોતાની ઈકો કાર ધડાકાભેર અથડાવી દીધી હતી. જ્યારે આ અકસ્માતમાં ઈકો કારની ડાબી તરફનું આખું પડખું ચિરાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલ મહેશગીરી ક્નુગીરી ગૌસ્વામી તથા તેની પાછળ બેઠેલ પંકજભાઈ શંકરભાઈ લેઉવાને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતાં તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે કારની જમણી તરફ બેઠેલા કાર ચાલક હેમાભાઈ પટેલ તેમજ તેની પાછળ બેઠેલ પંકજભાઈ પટેલને સામાન્ય ઈજા સાથે બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કારમાંથી લાશ કાઢવામાં મુશ્કેલી પડી
આ અકસ્માતના બનાવમાં આઈઆરબીની પેટ્રોલિંગ ટીમે ઈકો કાર માંથી બંને મૃતકોની લાશ ઘણી મુશ્કેલીથી બહાર કાઢી હતી. પેટ્રોલિંગ ટીમના સભ્યો શૈલેશભાઈ, પ્રિયાંસ વગેરેનાઓ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતાં ત્યારે અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતના બનાવમાં ઈકો કાર ટ્રેલર નીચે ઘૂસી ગઈ હતી અને સ્થળ પરથી ટીમે ઈકો કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે મોકલ્યા હતાં જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનારા બંને મૃતકોની ક્ષતવિક્ષત થયેલ લાશને પણ કાર માંથી મહામહેનતે બહાર કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here