કલોલમાં રહેતી બહેનની ખબર કાઢવા માટે આવેલા ભાઇનું અકસ્માત

0
2

મહેસાણાથી બહેનની ખબર અંતર પૂછવા માટે આવેલા ભાઈનું કલોલના મજૂર અદાલત હાઇવે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જેમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જતાં હાઇવે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત થયો

મહેસાણાનાં જોટાણાં ભગતવાડો વાસમાં રહેતા અમરતજી ઠાકોરનાં પરિવારમાં પિતા બાબુજી( ઉ.55) તેમજ માતા ભીખીબેન તેમજ બે નાના ભાઈઓ છે. છેલ્લા ઘણા સમયથી કોરોના કાળના કારણે બાબુજી ઠાકોર કલોલમાં રહેતી તેમની બહેન ચંદાબેનની ખબર અંતર પૂછવા રૂબરૂ આવી શક્યાં ન હતાં. જેનાં કારણે બાબુજી ગઈકાલે સવારે મહેસાણાથી કલોલમાં રહેતી બહેનની ખબર કાઢવા માટે નિકળ્યા હતા. ત્યારે મોડી સાંજે તેમના ભાણિયા કનુજીએ મહેસાણા અમરતજીને ફોન કરીને જણાવ્યું હતું કે મામા અમારા ઘરે આવતાં હતાં. તે દરમિયાન મજૂર અદાલતની સામે અમદાવાદ જતાં હાઇવે રોડ ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી મામાનું ઘટનાસ્થળે મોત થયું છે.

અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

સવારે ફોઈની ખબર કાઢવા નીકળેલા પિતાની મોડી સાંજે મોતની ખબર સાંભળીને અમરતજી તેમના ત્રણ કાકાને લઈને કલોલ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જ્યાં પોસ્ટમાર્ટમ રૂમમાં પિતાની લાશ જોઈ તેઓ ચોધાર આસું રડવા લાગ્યા હતાં. બાદમાં તેમણે પિતાની લાશનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં મોઢાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ કાનમાંથી લોહી વહી ગયું હોવાનું માલુમ પડયું હતું. આ અંગે તેમણે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here