શોએબ અખ્તરના મતે સચિન નહીં, આ ભારતીય બેટ્સમેનને બોલિંગ કરવું હતું વધુ મુશ્કેલ

0
3

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સચિન નહીં પરંતુ ક્રિકેટની દીવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડને મુશ્કેલ બેટ્સમેન માન્યો છે. શોએબ અખ્તરે કહ્યું કે, તેના માટે મહાન ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડને બોલિંગ કરવું ઘણું મુશ્કેલ હતું. અખ્તરે કહ્યું કે, દ્રવિડ ક્રિકેટ પ્રત્યે સમર્પણ અને યોગ્યતાના કારણે સરળતાથી રમી લેતો હતો. અખ્તરે યુટ્યુબ પર કહ્યું કે, દ્રવિડ ઘણો મુશ્કેલ અને સમર્પિત બેટ્સમેન હતો. મારા માટે તે ઘણો મુશ્કેલ હતો. તે મને સરળતાથી રમી લેતો હતો. અખ્તરે કહ્યું કે, ‘જો કોઈ બેટ્સમેન દ્રવિડની જેમ મોડેથી રમતો હોય તો, અમે તેને વિકેટ પાસેથી લેન્થ બોલ નાંખતા હતા અને બેટ અને પેડ વચ્ચે ગેપ શોધતા હતા. અમે બોલને પેડ પર મારવાનો પ્રયત્ન કરતાં હતા.

શોએબ અખ્તરે કહ્યું કે, તે એકવાર દ્રવિડને LBW કરવામાં સફળ રહ્યો હતો પરંતુ, અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. અખ્તરે એ મેચને યાદ કરતાં કહ્યું કે, ‘બેંગ્લોરમાં ફાયનલ મેચ હતી. મેં સદગોપાન રમેશને વહેલો આઉટ કરી દીધો હતો. અમે 3-4 વિકેટ જલ્દી લઈ લીધી હતી. સચિન તેંદુલકર એ સમયે રમી રહ્યો નહોતો. શાહિદ આફ્રિદી મને કહી રહ્યો હતો કે, કેટલાક બોલ નાંખ અને દ્રવિડને આઉટ કર નહીં તો લાંબા સમય સુધી રમશે. મેં સીધા પેડ પર બોલ માર્યો અને અમ્પાયરને અપીલ કરી. મેં એમ પણ કહ્યું કે, આજે શુક્રવાર છે. તેમણે અમારા પક્ષમાં નિર્ણય ન આપ્યો પરંતુ, અંતમાં અમે મેચ જીતી ગયા હતા.’

તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડ અને શોએબ અખ્તર એકવાર મેદાન પર લડી પડ્યા હતા. વર્ષ 2004માં ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન કંઈક એવું થયું હતું. બર્મિંઘમમાં રમાયેલી આ મેચમાં હંમેશાં શાંત રહેતો દ્રવિડ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે લડાઈ પડ્યો હતો. ભારત વિરુદ્વની મેચોમાં અખ્તર કંઈક વધારે જ આક્રામક થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડે શોએબ અખ્તરનો બોલ બાઉન્ડ્રી તરફ માર્યો. એ દરમિયાન દ્રવિડ બે રન ઝડપથી લેવા ભાગ્યો, પરંતુ શોએબ અખ્તર તેમની વચ્ચે ઊભો રહી ગયો. દ્રવિડ રન પૂરો કરતાં શોએબ અખ્તર સાથે અથડાયો, જે બોલ જોઈ રહ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા દ્રવિડે અખ્તરને રન લેવાના રસ્તા પરથી હટવા કહ્યું.

તો શોએબે ગુસ્સો આવી ગયો અને તેણે દ્રવિડને કંઈક કહી દીધું. રાહુલ દ્રવિડ શોએબ અખ્તર પાસે ગયો. વિવાદને વધતો જોઈને પાકિસ્તાની કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે અમ્પાયર સાથે મળીને બંનેને અલગ અલગ કરી દીધા. જોકે એ મેચ પાકિસ્તાન 3 વિકેટથી જીતી ગયું હતું. પહેલા બેટિંગ કરતાં ભારતે દ્રવિડની 67 રન અને અજીત અગરકરની 47 રનની ઇનિંગની મદદથી 200 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો યુસુફ યોહાનાની 81 રનની ઇનિંગના બદલે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રહેતા પાકિસ્તાને મેચ જીતી લીધી હતી.