પાંચેક વર્ષ પહેલા કતારગામમાંથી ઝડપાયેલા 2 કીલો ચરસના ગેરકાયદે જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપીને આજે નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ દોષી ઠેરવી 10 વર્ષની સખ્તકેદ,1 લાખ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખ્તકેદની સજા તથા અન્ય આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
કતારગામ પોલીસમથકના ફરિયાદી એ.હે.કો.અનિલસિંહ મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.ડી.ગોહીલ તથા ટીમે ગઈ તા.17-9-2020 ના રોજ કતારગામ પારસ સોસાયટી સ્થિત વિમલનાથ આર્કેડની દુકાન નં.4માં રેડ પાડી હતી.જે દરમિયાન મૂળ અમરેલી સાવરકુંડલાના રામગઢના વતની 23 વર્ષીય જીગર મનસુખભાઈ ધોળકીયાએ ગેરકાયદે 2 કીલો 379 ગ્રામ ચરસનો જથ્થો વોન્ટેડ આરોપી પાસેથી મેળવીને પોતાની કબજા ભોગવટાની દુકાનમા વેચાણ માટે રાખતા ઝડપાયો હતો.જ્ે દરમિયાન મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બુઢાણાના વતની ૨૫ વર્ષીય આરોપી પાર્થ જયંતિલાલ તેજાણી ચરસનો જથ્થો ખરીદવા આવતા કતારગામ પોલીસે ઝડપી બંનેની એનડીપીએસ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી.
જેલવાસ ભોગવતા આરોપી જીગર ધોળકીયા તથા જામીન મુક્ત આરોપી પાર્થ તેજાણી વિરુધ્ધ હાથ ધરાયેલા કેસની અંતિમ સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે રેઈડની કામગીરી,સીઝર,એરેસ્ટ મેમો સહિતની કાર્યવાહીની સામે શંકાની સોય તાકી હતી. ગુનાવાળી દુકાનમાં આરોપીઓના કબજો ભોગવટો હોવાનું પુરવાર કર્યું નથી. સીસીટીવી ફુટેજ કબજે ન લેવા, સર્ચ સીઝર સીલીંગ અને સેમ્પલીંગની પ્રક્રિયામાં આદેશાત્મક જોગવાઈનો ભંગ થયો હોઈ આરોપીઓને શંકાનો લાભ આપવા માંગ કરી હતી. જ્યારે સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ કુલ 14 સાક્ષી તથા 33 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
જેથી કોર્ટે આરોપી જીગર ધોળકીયાને દોષી ઠેરવી દસ વર્ષની સખ્તકેદ, રૃ.1 લાખ દંડ ન ભેરે તો વધુ 1 વર્ષની સખ્તકેદ તથા સહઆરોપી પાર્થ તેજાણીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી જીગર ધોળકીયાએ આચરેલો ગુનો રાષ્ટ્ર વિરોધી છે. હાલમાં દેશના યુવાધનનો નશો કરાવવાન ટેવ લગાવીને અન્ય ગુના આચરવા માટેના ખોટા રસ્તે ચઢાવવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં પણ નશાના વ્યાપારની પ્રવૃત્તિઓમાં પણ ખુબ જ વધારો થઈ રહ્યો હોઈ કોર્ટે ગુનાની ગંભીરતા તથા જાહેરહિતને ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા તથા દંડ ફટકારવો ન્યાયના હિતમાં હોવાનું જણાવ્યું છે.