Home કચ્છ રાપરના વકીલની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો, અન્ય પાંચની પણ અટકાયત

રાપરના વકીલની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો, અન્ય પાંચની પણ અટકાયત

0
6

કચ્છના રાપરમાં બે દિવસ પહેલા થયેલી જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા બાદ પોલીસ દ્વારા ગઈકાલે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા. આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ ઉઠી હતી. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ ઘટનાની નોંધ લઈ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને પૂર્વ કચ્છ પોલીસે મુંબઈથી મુખ્ય આરોપી ભરત રાવલની ધરપકડ કરી છે.

મૃતક વકીલના પત્નીએ 9 વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી તે પૈકી પાંચ આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી હતી.

બે દિવસ પહેલા સાંજે રાપરના દેનાબેંક ચોકમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના કાર્યાલય નીચે જ રાપરના ધારાશાસ્ત્રી દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ 50) ને છરીના ઘા ઝીંકી હત્યાને અંજામ અપાયો હતો. આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ તેમજ હત્યારો વકીલની ઓફિસ બહાર આવેલી પાઉંભાજીની દુકાનમાં રાખી ગયેલો મોબાઇલ અને લાયસન્સ પણ મળી આવ્યા હતો. તેમ છતાં આ હત્યાના 24 કલાક પછી પણ હત્યારાનો કોઇ પત્તો પોલીસ મેળવી શકી ન હતી. મૃતક ધારાશાસ્ત્રીના પરિવાર અને સમાજે જ્યાં સુધી હત્યારો પકડાશે નહીં ત્યાં સુધી અંતિમ ક્રીયા માટે મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે.

હત્યાની વિરોધમાં સમગ્ર કચ્છમાં ઠેરઠેર ચકાજામ કરાયું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ભૂજ માધાપરમાં ચક્કાજામ કરાયું હતું. જેથી એસપી સૌરભસિંઘ ખુદ માધાપર દોડી આવ્યા હતા. એસપીએ કહ્યું હતું કે, પોલીસ પોતે પણ જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી સૂવાની નથી. જેના બાદ અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી સમજાવટ કરી હતી. આ ઉપરાંત રાપર આરોગ્ય કેન્દ્રમાં લોકો એકઠા થયા હતા અને આરોપી ન પકડાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

મૃતક ધારાશાસ્ત્રી દેવજીભાઇના શિક્ષિકા પત્ની મિનાક્ષીબેને રાપર પોલીસ મથકે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખના મોટાભાઈ પ્રવિણસિંહ અલજી સોઢા અને રાપરના પૂર્વ નગરપ્રમુખના પુત્ર વિજયસિંહ સોઢા સહિતના કુલ નવ લોકો સામે હત્યા, ગુનાહિત ષડયંત્ર રચવું, એટ્રોસીટી અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો તળે ગુનો નોંધાવ્યો છે.

આરોપી તરીકે ભરત રાવલ, જયસુખ લુહાર, ખીમજી લુહાર, ધવલ લુહાર, દેવુભા સોઢા, વિજયસિંહ સોઢા, મયૂરસિંહ સોઢા, પ્રવિણસિંહ સોઢા અને અર્જુનસિંહ સોઢાના નામો લખાવાયાં છે. મરનાર દેવજીભાઈ મહેશ્વરીના શિક્ષિકા પત્ની મીનાક્ષીબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લુહાર સમાજવાડીનો કેસ લડવા કોઈ તૈયાર થતું નહોતું. તે કેસ તેમના પતિએ હાથ પર લીધો હતો. તેઓ વારંવાર રાપર પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાતાં હતા પરંતુ માથાભારે તત્વોના લીધે એફઆઈઆર નોંધાતી નહોતી. સામાવાળા લોકો તેમના પતિને મારી નાખવાની ધમકી આપતા હતા. સમાજવાડીના ડખામાં અગાઉ જે આઠ લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી તે આરોપીઓએ તેમના પતિનું કાસળ કાઢી નાખ્યું.

Live Scores Powered by Cn24news