અમદાવાદ : જમાલપુર દરવાજા પાસે સાદા કપડાંમાં પોલીસે ડંડો મારતા એક્સેસ ચાલક પટકાયાનો આરોપ, માથામાં ઈજા થતાં પોલીસ ફરિયાદ

0
25

અમદાવાદ. બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યાના અરસામાં એક્સેસ પર જતાં યુવાનને સાદા કપડાં ઊભેલા પોલીસે ડંડો મારતા વાહન સાથે પટકાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેને માથામાં અને જમણી આંખે ઈજાઓ પહોંચતા યુવાનના પિતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પોલીસ સામે ફરિયાદ નોઁધાવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે રોકવા પ્રયાસ કર્યા પણ એક્સેસ ન રોકી

ઈજાગ્રસ્ત યુવાનના પિતા મેહબુબખાન પઠાણની ફરિયાદ મુજબ એક કંપનીના શોરૂમમાં મિકેનિકનું કામ કરતો તેનો પુત્ર જુનેદ ગ્રાહકનું મકાન મળતા ઘરે પરત તેના મિત્ર સાથે પરત ફરતો હતો. દરમિયાન જમાલપુર બ્રિજથી જમાલપુર તરફ જતા તેને બે સ્થળે પોલીસે રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ રોકાયો ન હતો. દરમિયાન જમાલપુર દરવાજા પાસે પોલીસથી નાસવા જતા અને આગળ ઊભેલા સાદા કપડાં સજ્જ પોલીસે તેને ડંડો મારતા માથાના ભાગે વાગ્યો હતો. જેથી એક્સેસનું બેલેન્સ બગડતા તે 25 ફૂટ દૂર ડિવાઈડરને ટકરાયો હતો.

હાલ સિવિલના ICUમાં રખાયો

લાકડી જુનેદને મોંઢાના ભાગે વાગી હતી. તેમજ નીચે પટકાતા માથાના ભાગે અને જમણી આંખે ઈજાઓ થતાં તેને પહેલા વી એસ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ તે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે.

વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો છે. તેને પોલીસે માર માર્યો હોવાનો વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે. 12 સેકન્ડના આ વીડિયો લોકોના ટોળા પણ એકઠા થયેલા દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here