રાજકોટ: શહેરના પેલેસ રોડ પર પ્રહલાદ પ્લેટ-15માં રહેતાં અને ફિલ્મ મેકિંગનું કામ કરતાં નિરવભાઇ મહેશભાઇ રાણીંગાના બે વર્ષના પુત્ર વિવાનને પ્લે હાઉસમાં એડમિશનના પહેલા જ દિવસે બે શિક્ષિકાએ લાફા મારતાં સારવાર માટે દાખલ થતાં પોલીસને જાણ કરાઇ હતી. કેનાલ રોડ પરના શ્રીજી પ્લે હાઉસમાં માસુમને ફડાકા મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પિતા ગાલ-કાનમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લઇ ગયા હતા
વિવાનને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ગાલ-કાનમાં દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં તબીબની પ્રાથમિક પૂછપરછમાં વિવાનને શ્રીજી પ્લે હાઉસમાં ગીતાબેન અને હેતલબેને ગાલે લાફા માર્યાનું જણાવતા તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ પરમારે એ-ડિવીઝન પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.
વિવાનના ગાલ પર આંગળાના નિશાન દેખાતા હતા
વિવાનના પિતા નિરવભાઇ જણાવ્યું હતું કે હજુ તો ગઇકાલથી જ દિકરા વિવાનને શ્રીજી પ્લે હાઉસમાં બેસાડાયો હતો. સવારના દસથી અગિયારનો ટાઇમ હતો. પણ તે ઘરે આવ્યા બાદ રડતો હતો અને દુઃખે છે…દુઃખે છે…તેવું કાલીઘેલી ભાષામાં કહેતો હતો. તેમજ ગાલ પર હાથ રાખી હત્તા કર્યું એવું બોલતો હોય તેને પ્લે હાઉસમાં કોઇએ માર માર્યાની શંકા ઉપજી હતી. અમે સિવિલ હોસ્પિટલમાં વિવાનને દાખલ કરતાં તબીબોએ કાનના પરદામાં ઇજા હોવાનું જણાવ્યું હતું. વિવાને ગાલ પર આંગળાના નિશાન પણ દેખાતા હતાં.
બનાવ પછી નિરવભાઇએ એડમિશન રદ કર્યું
જો કે અમે પ્લે હાઉસમાં જઇ વિવાનને કોઇએ મારકુટ કરી છે કે કેમ? તે બાબતે પૂછતાં શિક્ષિકાઓએ પોતે કોઇ મારકુટ કરી નહીં હોવાનું કહ્યું હતું. પોલીસ આ બાબતે તપાસ કરી સત્ય બહાર લાવે તેવી અમારી માંગણી છે. પરમ દિવસે જ અમે દિકરાનું એડમિશન લીધું હતું. આ બનાવ પછી અમે ત્યાંથી એડમિશન રદ કરાવી લેતાં અમને ત્રણ હજાર ફી પાછી આપી દેવામાં આવી હતી. તેમ વધુમાં નિરવભાઇ રાણીંગાએ જણાવ્યું હતું.