અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે 15 હજારના બોન્ડ પર મંજૂરી કરી હતી. અમિત ચાવડા જામીનદાર બન્યા હતા અને વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ કોર્ટ સંકુલથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
ભીડને પગલે કોર્ટરૂમ બંધ કરવો પડ્યો
માનહાનિના કેસમાં રાહુલની હાજરીને પગલે કોંગ્રેસના કાર્યકરોની ભીડથી આખો કોર્ટરૂમ ભરાઈ ગયો હતો. જેને પગલે કોર્ટરૂમને અંદરથી બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીને જજે પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી. જજ હાલ તેમને કેસને લગતી વિગતો પૂછી હતી. રાહુલ ગાંધીએ ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં મિસ્ટેક હોવાનું જણાવ્યું હતું. કોર્ટના ડોક્યુમેન્ટમાં એડ્રેસ ભૂલ હતી. દરમિયાન રાહુલની સાથે અહમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યા હતા. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું.