મીની લોકડાઉન : લોકોમાં અફરા તફરી, ખરીદી માટે પડાપડી

0
23

આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. જોકે, જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.

શહેરમા કેસમાં વધારો થઈ રહ્યો છે છતાંય લોકો ગંભીર નથી. શહેરના કાલુપુર શાકમાર્કેટમાં આજે સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતાં. લોકો માર્કેટ બંધ થઈ જશે અને શાકભાજી નાના વેપારીઓ સુધી નહીં પહોંચે તેવા ડર સાથે લોકો અને વેપારીઓની શાકમાર્કેટમાં ભીડ જોવા મળી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સ તો દૂરની વાત રહી પણ લોકો ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. બીજી બાજુ શહેરમાં કરફ્યુને લઈને લોકોમાં ડર ફેલાયો છે. સવારથી જ લોકો કરીયાણું સહિતની વસ્તુઓ લેવા માટે નીકળી પડ્યાં છે. શહેરમાં કરફ્યૂ લંબાશે તેવા ડરના કારણે જોધપુર અને શ્યામલ ડી માર્ટ પાસે જીવનજરુરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે.

વધુ એકવાર આવી શાકમાર્કેટમાં ભીડ કોરોના સંક્રમણ ફેલાવવા અને સુપર સ્પ્રેડર માટે જવાબદાર બની શકે છે. દિવાળીના તહેવાર દરમ્યાન પણ આવા મોટા બજારોમાં મોટી ભીડ જામી હતી. લાલદરવાજાનું ભદ્ર બજાર જ્યાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને કારંજ પોલીસે હપ્તા લઈ અને આખું બજાર ચાલુ રાખ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા હતા છતાં કોઈ દંડ કે કેસ નોંધ્યો ન હતો. આજે ફરી એકવાર બજારોમાં ભીડ વધી રહી છે જેને બંધ કરાવવી જરૂરી છે.

જણાવી દઇએ, સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે.

અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 60 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here