વડોદરા : લગ્નના 40 વર્ષ બાદ ઘરમાંથી પતિના પ્રેમપત્રો મળતા 60 વર્ષની વૃદ્ધા આત્મહત્યા કરવા દોડી ગઇ

0
6

પતિના લગ્નેત્તર સંબંધોની જાણ થતાં 60 વર્ષીય વૃદ્ધાને આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેણે આ મામલે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને ફોન કરતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી અને તેને સમજાવી હતી. વૃદ્ધને 40 વર્ષના લગ્ન ગાળા બાદ કબાટમાંથી પતિના પ્રેમપત્રો મળતાં પતિના પ્રેમ સબંધનો ભાંડો ફૂટ્યો હતો.

મહિલાએ કહ્યું: હું જીવનથી કંટાળી ગઇ છું અને આવું જીવન જીવવા કરતા આત્મહત્યા કરવી સારી છે

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું જીવનથી કંટાળી ગઇ છું અને આવું જીવન જીવવા કરતા આત્મહત્યા કરવી સારી છે, જોકે તે વખતે અભયમે તેને ફોન પર સમજાવી હતી અને બીજી ટીમ તેની પાસે પહોંચી હતી અને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તે 3 સંતાનની માતા છે અને 60 વર્ષના છે. તેમના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા તિજોરીમાંથી તેને એક કવર મળ્યું હતું અને કવર ખોલતાં તેમાં પતિના પ્રેમપત્રો જોવા મળ્યા હતા, તેથી તેઓ તે સમયે બેભાન પણ થઇ ગયા હતા.

લગ્નના 40 વર્ષ બાદ પણ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી પત્ની ડિપ્રેશનમાં આવી ગઇ હતી

40 વર્ષનો લગ્નજીવનનો ગાળો હોવા છતાં પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવતો હોય તેવું તેમના માનવામાં આવ્યું ન હતું, જેથી તે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને આત્મહત્યા કરવા તૈયાર થયા હતા જોકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે તેમને શાંતિથી સમજાવી આપઘાતના વિચારો મનમાંથી કાઢી નાખવા સમજણ આપી હતી અને રચનાત્મક પ્રવૃત્તિ કરીને તથા સંતાનોની કાળજી લઇને સમય વ્યતીત કરવા જણાવ્યું હતું. તેમના પતિ સાથે પણ અભયમની ટીમે ચર્ચાં કરતાં તેમણે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનો એકરાર કર્યો હતો, પરંતુ તે તેમની પત્ની અને બાળકોને કોઇ વાતની કમી આવવા નહીં દે તેમ જણાવી પરિવારની કાળજી લેશે તેવી ખાતરી આપી હતી.

લોકડાઉનમાં મંદિરની આવક બંધ હતાં પતિ-પત્ની વચ્ચે વિખવાદ

અન્ય એક બનાવમાં લોકડાઉનના કારણે મંદિર બંધ થઈ જતા પતિની આવક બંધ થઈ ગઈ હોવાથી તેઓ ઘર ખર્ચ માટે કોઈ રકમ આપી શકતા નથી અને પોતાની શારીરિક જાતીય સતામણી કરે છે તેવી ફરિયાદ મળતાં અભયમની ટીમ મહિલા પાસે પહોંચી હતી. તપાસમાં જણાયું હતું કે, 47 વર્ષના મંદિરના પૂજારી નું પુનઃ લગ્ન 27 વર્ષની યુવતી સાથે થયું હતું અને તે પણ ડીવોર્સી અને એક બાળકની માતા છે. જો કે ફરીથી લગ્નમાં તે માતા બની શકે તેમ ના હોવાનું તબીબી તપાસમાં જણાયું હતું અને ત્યારબાદ પતિએ પત્નીનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું. લોકડાઉનમાં આવક બંધ થઇ જતાં પતિ વધુ ઉશ્કેરાયો હતો. અભયમની ટીમે બંનેને સમજાવીને મામલો થાળે પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here